×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દેશના દિગ્ગજ અર્થશાસ્ત્રી અભિજિત સેનનું 72 વર્ષની ઉંમરે નિધન


- અભિજિત સેન ગ્રામીણ અર્થવ્યવસ્થાના નિષ્ણાત હતા

નવી દિલ્હી, તા. 30 ઓગષ્ટ 2022, મંગળવાર

ભારતના દિગ્ગજ અર્થશાસ્ત્રી અને આયોજન પંચનાં પૂર્વ સદસ્ય અભિજિત સેનનું સોમવારે રાત્રે નિધન થઈ ગયું છે. તેઓ 72 વર્ષની ઉંમરના હતા. અભિજિત સેન ગ્રામીણ અર્થવ્યવસ્થાના નિષ્ણાત હતા. સેનના ભાઈ ડૉ. પ્રણવ સેને જણાવ્યું કે, અભિજિત સેનને રાત્રે 11 વાગ્યાની આસપાસ હાર્ટ એટેક આવ્યો હતો. અમે તેમને હોસ્પિટલમાં લઈ ગયા પરંતુ ત્યાં સુધીમાં તેમનું નિધન થઈ ચૂક્યું હતું. ચાર દાયકાથી વધુ લાંબા પોતાના કરિયરમાં અભિજિત સેને નવી દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં અર્થશાસ્ત્ર ભણાવ્યું અને અનેક મહત્ત્વના સરકારી હોદ્દા સંભાળ્યા હતા. તેઓ કૃષિ ખર્ચ અને કિંમત આયોગના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. સેન 2004થી 2014 સુધી આયોજન પંચના સભ્ય હતા. તે સમયે મનમોહન સિંહ વડાપ્રધાન હતા.

અભિજિત સેનનો જન્મ નવી દિલ્હીમાં રહેતા એક બંગાળી પરિવારમાં થયો હતો. તેમણે સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી ભૌતિકશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. ત્યારબાદ 1981માં તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પીએચડી કર્યું હતું. અહીં તેઓ ટ્રિનિટી હોલના સભ્ય પણ હતા. તેમણે ગ્રામીણ અર્થતંત્રને સુધારવા માટે ઘણા મહત્વપૂર્ણ કાર્યો કર્યા હતા. 1997માં સંયુક્ત મોરચાની સરકારમાં તેઓ કૃષિ ખર્ચ અને કિંમત આયોગ કમિશનના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા હતા. તેમણે કૃષિ કોમોડિટીઝ માટે ન્યૂનતમ ટેકાના ભાવ (એમએસપી)ની ભલામણ કરી હતી. બાદમાં તેમને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ સરકાર દ્વારા ટકાઉ ખાદ્ય નીતિ પર નિષ્ણાતોની ઉચ્ચ સ્તરીય સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. 

અભિજિત સેને દેશભરના તમામ ગ્રાહકોને ચોખા અને ઘઉં માટે જાહેર વિતરણ પ્રણાલી (PDS) દાખલ કરવાની ભલામણ કરી હતી જે ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા માટે સીમાચિહ્નરૂપ સાબિત થઈ હતી. આ ઉપરાંત તેમણે CACP (કમીશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઈસ)ને એક સશક્ત અને વૈધાનિક સંસ્થા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.