×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દૂધના દાઝ્યા છાશ પણ ફૂંકીને પીવે : લોકડાઉનના ડરના કારણે રાજ્યના મહાનગરોમાંથી મજૂરો વતન ભણી ઉપડ્યા

અમદાવાદ, તા. 22 માર્ચ 2021, સોમવાર

આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે કે ‘દૂધના દાઝ્યા છાશ પણ ફૂંકીને પીવે’. એટલે કે એક વખત ખરાબ અનુભવ થયો હોય તે માણસ વધારે સાવચેતી રાખે છે. અત્યારે પ્રવાસી મજૂરોની હાલત બરાબર આવી જ છે. ગયા વર્ષે લોકડાઉનની અંદર તેમને ઘણો ખરાબ અનુભવ થયો છે, જે તેઓ આખી જિંદગી નહીં ભૂલી શકે. 

રાજ્યમાં ફરી વખત કોરોના વાયરસનો ફેલાવો વધતા અને સરકાર જે રીતે ધીમે ધીમે વિવિધ પ્રતિબંધો લગાવી રહી છે તેને જોતા તેમના મનમાં લોકડાઉનનો ડર ઉભો થયો છે. જેથી ફરી વખત રોજગારી માટે પોતાના વતનથી દૂર આવેલા લોકોએ પરત ફરવાનું શરુ કકરી દીધું છે. ખાસ કરીને અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મહાનગરોમાં મજૂરી અને વ્યવસાય માટે આવેલા લોકો પોતાના પરિવાર અને સામાન સાથે ફરીથી પોતાના વતન તરફ જઇ રહ્યા છે.

રાજ્યમાં વધી રહેલા કોરોના કેસોને ધ્યાને લઇને રાજ્ય સરકારે મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ લગાવ્યો છે, અમદાવાદ અને સુરત શહેરમાં AMTS અને BRTS બંધ કરવામાં આવી છે, મહાનગરોમાં બાગ બગીચા બંધ કરાયા છે. તેવામાં ફરી વખત લોકોના મનમાં લોકડાઉનના ભણકારા સંભળાઇ રહ્યા છે. તેવામાં ફરીથી 26 માર્ચથી લોકડાઉન લાદવાની અફવાએ જોર પકડ્યું છે. જેથી ગત સપ્તાહથી જ મજૂરોનું પોતાના વતન તરફ ભાગી રહ્યાં છે. દરરોજના અંદાજે 500 થી 1000 મજૂરો પોતાના વતને પરત ફરી રહ્યાં છે.

મજૂરોને એવો ડર લાગી રહ્યો છે કે, ક્યાંક ગત વર્ષની જેમ જ જો ગુજરાતમાં ફરીથી લૉકડાઉન લાગી જશે તો ખાવાપીવાના ફાંફાં પડી જશે અને ઘરે પણ પગપાળા જવાનો વારો આવશે. જેથી મજૂરો પોતાના સામાન અને પરિવાર સહિત પોતાના વતન તરફ પ્રયાણ કરી રહ્યાં છે. 

રાજ્યના મુખ્યમંત્રી અનેક વખત સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે હવે કોઇ નવું લોકડાઉન લાગુ નહીં થાય. આમ છતા લોકડાઉનની અફવા જોર પકડી રહી છે. જો કે એક વાત એ પણ છે કે મજૂરો અને નાના માણસોને હવે સરકારની વાત પર વિશ્વાસ રહ્યો નથી. ગત વર્ષના ખરાબ અનુભવના કારણે આ વર્ષે તેઓ અત્યારથી જ વતન જઇ રહ્યા છે.