×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દુશ્મન દેશનું નામ લીધા વિના અજીત ડોભાલના આકરા પ્રહાર, કહ્યું ‘આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે આતંકવાદ મોટો ખતરો…’

નવી દિલ્હી, તા.29 માર્ચ-2023, બુધવાર

રાજધાની દિલ્હીમાં આજે શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો (NSA)ની બેઠક યોજાઈ... આ બેઠકમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પાકિસ્તાનનું નામ લીધા વિના આતંકવાદ અંગે આકરા પ્રહારો કર્યા હતા. અજીત ડોભાલે જણાવ્યું કે, કોઈપણ પ્રકારનો આતંકવાદ આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો છે. મહત્વની વાત એ છે કે, આ બેઠકમાં પાકિસ્તાનના પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો હતો. 

SCOની બેઠકમાં અજિત ડોભાલે સ્પષ્ટ કહ્યું કે, આતંકવાદનો સામનો કરવા માટે તમામ દેશોએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવો પર ધ્યાન આપવું જોઈએ. ઉપરાંત આતંકવાદ વિરોધી પ્રોટોકોલ માટેની પોતાની જવાબદારીઓને પણ પૂર્ણ કરવી જોઈએ. તેમણે કહ્યું કે, આતંકવાદના કોઈપણ કૃત્યને યોગ્ય ઠેરવી શકાય નહીં.

તમામ દેશો સાથે કનેક્ટિવિટી એ મુખ્ય પ્રાથમિકતા છે : ડોભાલ

ડોભાલે વધુમાં જણાવ્યું કે, SCOની બેઠકમાં તમામ દેશો આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદ સામે મુકાબલો કરવા પ્રતિબદ્ધ છે. ભારત માટે તમામ દેશો સાથે કનેક્ટિવિટી મુખ્ય પ્રાથમિકતા છે. અમે રોકાણ કરવા અને કનેક્ટિવિટી વધારવા માટે દરેકને સહકાર આપવા તૈયાર છીએ. આ દરમિયાન તમામ દેશોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવામાં આવે તે સુનિશ્ચિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે ચાબહારને નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોરમાં સમાવેશ કરવાની પણ ભલામણ કરી હતી.

SCOમાં 8 દેશો સામેલ

  • ભારત
  • ચીન
  • પાકિસ્તાન
  • કઝાકિસ્તાન
  • કિર્ગિસ્તાન
  • રશિયા
  • તાજિકિસ્તાન
  • ઉઝબેકિસ્તાન

સંસ્થામાં 4 નિરીક્ષક રાજ્યો

  • અફઘાનિસ્તાન
  • બેલારુસ
  • ઈરાન
  • મંગોલિયા