×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દુનિયા વિશ્વ યુધ્ધના આરે છે, રશિયન મિલિટરી એક્સપર્ટની સ્ફોટક ચેતવણી


મોસ્કો, તા. 6 એપ્રિલ 2021, મંગળવાર

કોરોના સામે ઝૂઝમી રહેલી દુનિયા પર હવે વિશ્વ યુધ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે. રશિયાના સૈન્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, આગામી ચાર સપ્તાહમાં દુનિયા વિશ્વ યુધ્ધ જોઈ શકે છે.

આ આગાહી જો ખરેખર સાચી પડે તો કોરોનાની મહામારી વચ્ચે યુધ્ધ છેડાય તેવી કલ્પનાથી પણ રુંવાડા ઉભા થઈ જાય છે. વિશ્વ યુધ્ધની આગાહી પાછળનુ કારણ રશિયા અને યુક્રેનની સીમા પર બંને દેશો વચ્ચે વધી રહેલો તણાવ છે. સૈન્ય નિષ્ણાતોનુ કહેવુ છે કે, આ સ્થિતિ ના સુધરે તો એક મહિનાની અંદર દુનિયાને કોરોના સંકટ વચ્ચે ભીષણ યુધ્ધનો સામનો કરવો પડશે.


રશિયાએ તનાવ વધતો જોઈને વિવાદિત સીમા પર પોતાના 4,000 સૈનિકોને મોકલ્યા છે. જેની સાથે સાથે ટેન્કો અને બીજા બખ્તરબંધ વાહનો  રવાના કરાયા છે. જેના કારણે હવે યુરોપ હાઈ એલર્ટ પર છે.

રશિયન મિલિટરી એક્સપર્ટ પાવેલ ફેલગેનહરનુ કહેવુ છે કે, જે પ્રકારની સ્થિતિ છે તે જોતા લાગે છે કે, આગામી દિવસોમાં યુરોપીય યુધ્ધ કે વિશ્વ યુધ્ધ જેવો મોટો ખતરો સામે આવી શકે છે. આ ખતરો બહુ ઝડપથી વધી રહ્યો છે. મીડિયામાં ભલે તેના પર ચર્ચા ના થઈ રહી હોય પણ અમને બહુ ખરાબ સંકેતો જ દેખાઈ રહ્યા છે.


તેમનુ કહેવુ છે કે, જો રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ થયુ તો તે બે દેશો સુધી સીમિત નહીં રહે. તે યુરોપના બીજા દેશો કે વિશ્વ સ્તરે પણ ફેલાઈ શકે છે.કારણકે રશિયા અને યુક્રેન વચ્ચેના તનાવ બાદ યુરોપિયન દેશોએ પણ પોતાની સેનાને હાઈ એલર્ટ કરી દીધી છે.

યુક્રેનના આર્મી ચીફે સંસદમાં કહ્યુ હતુ કે, રશિયાનુ વલણ ભારે આક્રમક છે. સીમા પર રશિયાએ સૈનિકોની તૈનાતી વધારી દીધી છે. જોકે રશિયાનુ કહેવુ છે કે, અમે કોઈ જાતના યુધ્ધની તૈયારી કરી રહ્યા નથી.


વિશ્વ યુધ્ધની આગાહી પાછળનુ એક કારણ એ પણ છે કે અમેરિકા અને રશિયા વચ્ચે હાલ સારા સબંધો નથી. યુક્રેન એમ પણ અમેરિકાની નિકટ છે. જો રશિયા યુક્રેનને નુકસાન પહોંચાડે તો અમેરિકા યુક્રેનની મદદ કરે તેવી શકયતા છે. આ જ રીતે બંને છાવણીમાં બીજા દેશો જોડાતા જાય તો સ્થિતિ સ્ફોટક બની શકે છે.