×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દુનિયામાં એક દિવસમાં સૌથી વધુ ૩.૧૪ લાખ કેસ ભારતમાં નોંધાયા



(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૨૨
એક દિવસમાં સૌથી વધુ ૩.૧૪ લાખ કેસ ભારતમાં નોંધાયા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલાં આંકડાં પ્રમાણે દેશમાં વધુ ૩,૧૪,૮૩૫ કેસ સાથે કુલ ૧,૫૯,૩૦,૯૬૫ કેસ થયા હતા. વધુ ૨૧૦૪ના મોત થયા હતા. તે સાથે જ કુલ મૃત્યુ આંક ૧,૮૪,૬૫૭ થયો હતો.
એક દિવસમાં દુનિયાભરમાં સૌથી વધુ કેસ ભારતમાં નોંધાયા હતા. ૨૪ કલાકમાં ૨૧૦૪નાં મોત થયા હતા. એપ્રિલમાં ૨૨,૧૮૯ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. છેલ્લાં ૨૨ દિવસમાં કુલ ૩૭,૮૧,૬૩૦ કેસ નોંધાયા હતા. સતત ૪૩મા દિવસે કોરોનાના કેસમાં વધારો થયો હતો.
મહારાષ્ટ્રમાં ૫૬૮, દિલ્હીમાં ૨૪૯, છત્તીસગઢમાં ૧૯૩, ઉત્તર પ્રદેશમાં ૧૯૫, ગુજરાતમાં ૧૨૫ અને કર્ણાટકમાં ૧૧૬નાં મોત થયા હતા. બિહારમાં ૫૦૦ ડોક્ટર્સ અને હેલ્થ વર્કર્સ કોરોના પોઝિટિવ થતાં હેલ્થ સેક્ટરને અસર પહોંચી હતી. સીપીઆઈએમના નેતા સીતારામ યેચૂરીના પુત્ર આશિષનું ગોરેગાઁવની એક હોસ્પિટલમાં નિધન થયું હતું.
હરિયાણામાં બધી જ દુકાનો છ વાગે બંધ કરવાનો આદેશ સરકારે આપ્યો હતો. મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ ૬૭,૪૬૮ કેસ નોંધાયા હતા. યુપીમાં ૨૪ કલાકમાં ૩૪,૩૭૯ કેસ દર્જ થયા હતા અને ૧૯૫ના મોત થયા હતા. દિલ્હીમાં ૨૪ હજાર કેસ દર્જ થયા હતા.
કોરોનાના ૭૫ ટકા કેસ ૧૦ રાજ્યોમાં જોવા મળ્યા હતા. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, ગુજરાત, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, બિહાર અને રાજસ્થાનમાં કુલ કેસના ૭૫ ટકા કેસ નોંધાયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની સ્થિતિ બાબતે વર્ચ્યુઅલ બેઠકો યોજી હતી. મુખ્યમંત્રીઓ સાથે પણ તેમણે આ બાબતે ચર્ચા કરી હતી. તે પછી દેશના ઓક્સિજન ઉત્પાદકોના પ્રતિનિધિઓ સાથે પણ એક મીટિંગ કરી હતી.
બીજી તરફ સ્વાસ્થ્ય મંત્રાલયના કહેવા પ્રમાણે દેશમાં ૧૩.૨૩ કરોડ લોકોને રસી અપાઈ ચૂકી છે. ૧૩,૨૩,૩૦,૬૪૪ લોકો એટલિસ્ટ એક વખત રસી લઈ ચૂક્યા છે. વેક્સિનેશન મિશનનો ૯૭મો દિવસ હતો. ૬૦ વર્ષથી વધુ વયના ૪,૭૮,૬૭,૧૧૮ નાગરિકોએ વેક્સિન લીધી હતી.