×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિવાળી પર હુમલાનું કાવતરું : પાંચ આતંકી ઠાર, એક ઝડપાયો

શ્રીનગર/નવી દિલ્હી, તા. ૧૨

જમ્મુ કાશ્મીરના રાજોરી અને પૂંચ જિલ્લામાં આતંકીઓ અને સૈન્ય વચ્ચે ભારે ગોળીબાર થયો હતો. જેમાં પાંચ જવાન શહીદ થયા હતા. આ ઘટનાના બીજા દિવસે સૈન્ય આતંકીઓ પર ત્રાટક્યું હતું અને પાંચ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. આ બે એન્કાઉન્ટર શોપિયાં જિલ્લામાં હાથ ધરવામાં આવ્યા હતા. જે પાંચ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે તેમાં એક બિનકાશ્મીરી ફેરિયાની હત્યામાં સામેલ હતો. જ્યારે અન્ય એક આતંકી પણ ટાર્ગેટ કિલિંગમાં સામેલ હતો. એટલે કે સૈન્યએ આ મહિનામાં બિનમુસ્લિમોની હત્યા કરનારા બે આતંકીઓને આ એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં સફળતા મેળવી છે. 

પોલીસના જણાવ્યા અનુસાર બાતમી મળી હતી કે શોપિયાંના બે ગામોમાં આતંકીઓ છુપાયા છે. જેથી આ ગામોમાં બે જુદા જુદા આતંકવાદ વિરોધી ઓપરેશન સૈન્ય દ્વારા શરૃ કરવામાં આવ્યા હતા. પરીણામે પાંચ આતંકીઓ આ એન્કાઉન્ટરમાં ઠાર મરાયા છે. માર્યા ગયેલા આતંકીઓમાં સામેલ મુખ્તાર શાહનો પણ સમાવેશ થાય છે કે જેણે બિનકાશ્મીરી બિહારના વતની વિરેન્દ્ર પાસવાનની શ્રીનગરના લાલ બાઝાર વિસ્તારમાં હત્યા કરી હતી. આતંકીઓને સરેન્ડર કરવાની પુરી તક આપવામાં આવી હતી પણ તેઓએ સૈન્ય પર ગોળીબાર કરી દીધો હતો. જે બાદ તેમને ઠાર મારવામાં આવ્યા હતા. આ ઓપરેશન રાત્રીના અંધારામાં પણ ચાલુ રાખવામાં આવ્યું હતું. આ આતંકીઓએ અગાઉ સ્થાનિક ટેક્સિ સ્ટેન્ડના પ્રમુખ મોહમ્મદ શાફી લોનની પણ હત્યા કરી હતી. આ ઉપરાંત અનેક નાના મોટા હુમલાઓમાં પણ તેઓ સામેલ હતા.

બીજી તરફ દિવાળીનો સમય નજીક આવી રહ્યો છે અને આતંકીઓ પણ કોઇ મોટા હુમલાને અંજામ આપવાની તૈયારીમાં હોવાના ઇનપુટ મળ્યા છે. સર્ચ ઓપરેશન દરમિયાન દિવાળી પર હુમલાનું કાવતરુ ઘડનારા પાકિસ્તાની આતંકીની હથિયારો સાથે દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. આ આતંકીનું નામ મોહમ્મદ અશરફ ઉર્ફે અલી છે અને તે પાકિસ્તાનના પંજાબ પ્રાંતનો રહેવાસી છે. બાંગ્લાદેશ થઇને ભારતમાં આવેલો આ આતંકી છેલ્લા ૧૦ વર્ષથી બનાવટી દસ્તાવેજોના આધારે ભારતમાં રહી રહ્યો છે. પોતાને મૌલાના ગણાવનારો આ આતંકી પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઇએસઆઇના સંપર્કમાં હતો. તેણે એક હિંદુસ્તાની મહિલાની સાથે લગ્ન પણ કર્યા હતા. આતંકીએ યમૂનાની રેતીમાં હથિયારોને છુપાવીને રાખ્યા હતા.

તેને આઇએસઆઇ દ્વારા છ મહિના સુધી હુમલા સહિતની તાલિમ આપવામાં આવી હતી. સ્કૂલનો અભ્યાસ પૂર્ણ થયા બાદ જ તે આઇએસઆઇ સાથે જોડાઇ ગયો હતો. છેલ્લા ૧૦ વર્ષમાં આ આતંકીએ છ જેટલા સ્થળો બદલ્યા હતા. તે કોઇ એક સ્થાને લાંબો સમય સુધી નહોતો રહેતો. તેની પાસેથી એકે-૪૭ રાઇફલ, ૬૦ રાઉંડ કારતૂસ, એક હેંડ ગ્રેનેડ, ૫૦ રાઉંડ કારતુસ, બે આધુનિક પિસ્તોલ સહિતના હથિયારો પણ મળી આવ્યા છે. આતંકી દિવાળી પર કોઇ મોટા હુમલાની ફિરાકમાં હતો. તેને અન્ય કોઇ આતંકીઓ મદદ કરી રહ્યા હોવાની પણ શંકા છે. હાલ કોર્ટે તેને ૧૪ દિવસના પોલીસ રીમાન્ડ પર મોકલી દીધો છે જ્યાં અનેક રહસ્યો ખુલી શકે છે.  કાશ્મીરના રાજોરી અને પૂંચમાં આતંકીઓ સૈન્ય પર ગોળીબાર કરીને ભાગી ગયા હતા, જેમાં પાંચ જવાનો શહીદ થયા હતા. આ આતંકીઓની હજુ પણ શોધખોળ ચાલી રહી છે. આ બન્ને જિલ્લાઓમાં મોટા પાયે સર્ચ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું છે.