×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હી-NCRમાં વરસાદથી વાતાવરણ આહ્લાદક, યુપી-પંજાબ સહિત આ રાજ્યોમાં IMDનું એલર્ટ


- રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વરસાદથી ગરમીમાં રાહત મળવાની સાથે જ તાપમાનમાં ઘટાડો થયો 

નવી દિલ્હી, તા. 17 ઓક્ટોબર, 2021, રવિવાર

ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં વાતાવરણ પલટાઈ રહ્યું છે. હવામાન વિભાગે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના અનેક વિસ્તારોમાં આજે એટલે કે રવિવારે વરસાદની આગાહી કરી છે. રાષ્ટ્રીય રાજધાનીના કેટલાક વિસ્તારોમાં રવિવારે સવારે હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે દિલ્હીમાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે આગામી 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદ થવાનું પૂર્વાનુમાન છે. 

હવામાન વિભાગે દિલ્હી, ગુરૂગ્રામ, ગાઝિયાબાદ, નોએડા, મોદીનગર, ઈંદ્રાપુરમ, નજીબાબાદ, શામલી, મેરઠ, મુઝફ્ફરનગર, કિઠૌર, અમરોહા, બિજનૌર, હાપુડ, ભિવાની, રોહતક, પાણીપત અને આસપાસના ક્ષેત્રોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ તીવ્રતાના વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. 

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વરસાદથી ગરમીમાં રાહત મળવાની સાથે જ તાપમાનમાં ઘટાડો થયો છે. હવામાન વિભાગે જણાવ્યું કે, દિલ્હી, નોએડા, ગ્રેટર નોએડા સહિત એનસીઆરના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ ચાલુ રહી શકે છે. 

ઉત્તર પ્રદેશ અને હરિયાણાના અનેક વિસ્તારોમાં પણ વાતાવરણે પલટો લીધો છે. હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે હરિયાણાના ગોહાના, ગન્નૌર, જીંદ, પલવલ, ઔરંગાબાદ, સોનીપત, નૂંહ, સોહાના, માનેસરમાં જ્યારે યુપીના મથુરા, હાથરસ, નરૌરા, શામલી, બરૂત, ખુર્જા, બરસાના, નંદગાંવ, બુલંદશહર, મેરઠ ગઢમુક્તેશ્વર, મુરાદાબાદ અને આસપાસના વિસ્તારોમાં આગામી કેટલાક કલાકોમાં વરસાદનું પૂર્વાનુમાન છે. તે સિવાય રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં પણ વરસાદની સંભાવના છે. 

દિલ્હીમાં 22મી ઓક્ટોબર સુધી મહત્તમ તાપમાન 32થી 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 18 ડિગ્રી આસપાસ રહેશે. તાપમાનમાં આગામી 8 દિવસોમાં ઠંડીનો અનુભવ થવા લાગશે. 

આ તરફ કેરળમાં વરસાદ અને પૂરના કારણે ભારે કહેર વરતાયો છે અને અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. રાજ્યના એક ડઝન જેટલા જિલ્લાઓ પૂરથી પ્રભાવિત છે.