×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હી સહિત 6 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 2 રાજ્યોમાં હીટવેવની આશંકા, જાણો IMDની ભવિષ્યવાણી

નવી દિલ્હી, તા.31 મે-2023, બુધવાર

આજે મે મહિનાનો છેલ્લો દિવસ છે. સામાન્ય રીતે આ સમયગાળો ભારતમાં ભયંકર હીટવેવ એટલે કે ગરમી અને લૂનો હોય છે. જોકે તેનાથી ઉલટુ દિલ્હી સહિત આખાત ઉત્તર ભારતમાં હાલના દિવસોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે ઉત્તરાખંડમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે. જ્યારે બિહાર અને પશ્ચિમ બંગાળમાં ગરમીનો કહેર ટોપ પર છે અને આગામી ત્રણ-ચાર દિવસમાં આવી જ સ્થિતિ રહેવાની સંભાવના છે. 

હિમાચલમાં મુશળધાર વરસાદની સંભાવના

હવામાન વિભાગે જણાવ્યું છે કે, ઉત્તર-પશ્ચિમ ભારતમાં એક જૂન સુધી વરસાદની સ્થિતિ રહેશે. કેટલાક સ્થળોએ વાવાઝોડા અને કેટલાક સ્થળોએ વરસાદની સંભાવના છે. 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા રહેશે. હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડી શકે છે. આવી જ સ્થિતિ ઉત્તરાખંડમાં આગામી બે દિવસ સુધી યથાવત્ રહેવાની સંભાવના છે.

હિમાચલ, ઉત્તરાખંડ, કાશ્મીરમાં ભારે વરસાદની શક્યતા

હિમાચલ, ઉત્તરાખંડ અને કાશ્મીરના કેટલાક ભાગોમાં 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદ થઈ શકે છે. માત્ર ઉત્તર ભારતમાં જ નહીં... દક્ષિણ ભારતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગનું કહેવું છે કે, તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે 1 જૂને કર્ણાટકના કેટલાક આંતરિક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. કેરળમાં 1 જૂનથી 5 જૂન સુધી વરસાદી માહોલ રહેશે.

બિહાર-બંગાળમાં 2 ડિગ્રી તાપમાન વધવાની વકી

ઉત્તર-પશ્ચિમ ભારતમાં આગામી 2 દિવસ સુધી વાતાવરણ ખુશનુમા રહેશે. અહીં મહત્તમ તાપમાનમાં વધારો થવાની કોઈ શક્યતા નથી. બીજી તરફ બિહાર અને પશ્ચિમ બંગાળને લઈને હવામાન વિભાગનું કહેવું છે કે, આ રાજ્યોમાં આગામી થોડા દિવસોમાં તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે, પશ્ચિમ બંગાળમાં 2 જૂન સુધી ગરમ ​​હવામાન રહેશે.