×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હી સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદ, નદીઓમાં ઘોડાપૂર આવ્યા, રસ્તાઓ બંધ, પંજાબમાં એલર્ટ


દેશની રાજધાની દિલ્હી સહિત અનેક વિસ્તારોમાં ગઈકાલથી જ સતત વરસાદ વરસી રહ્યો છે જેના પગલે અનેક જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. દિલ્હીમાં રાજઘાટ, રિંગરોડ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. કેટલીક જગ્યાએ એકથી બે ફૂટ સુધી પાણી ભરાયા હતા. રાજઘાટની હાલત અગાઉના દિવસો જેવી થઈ ગઈ છે. હવામાન વિભાગે હજુ બે દિવસ ભારે વરસાદની ચેતવણી આપી છે. 

દિલ્હીમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

દિલ્હીમાં ભારે વરસાદને કારણે સિવિલ લાઈન્સ, લક્ષ્મીનગર, લાજપતનગર સહિતના ઘણા વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા. આ સિવાય રસ્તાઓ પર જામની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ગાઝિયાબાદ-નોઈડાના યમુના અને હિંડોન નદી કિનારે આવેલા વિસ્તારોમાં પૂરના પાણી ઓછુ થતા લોકોએ થોડી રાહત અનુભવી હતી, પરંતુ વરસાદના કારણે તેમની મુશ્કેલી ફરી વધી ગઈ છે. દિલ્હી, NCRના કેટલાક સ્થળોએ અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી 2 કલાક દરમિયાન હળવાથી મધ્યમ તેમજ ભારે વરસાદ પડવાની સંભાવના છે.

અનેક રાજ્યોમાં જનજીવન પર અસર પડી

પંજાબ, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશથી લઈને ઉત્તરાખંડ, ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાણા સુધી આ જ સ્થિતિ પ્રવર્તી રહી છે. ગુજરાત અને મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં 200થી 300 મીમી વરસાદ નોંધાયો છે. તેલંગાણાના મુલુગુ જિલ્લાના એક ગામમાં 12 લોકો પૂરના પાણીમાં વહી ગયા હતા, જેમાંથી ચાર લોકોએ પોતાનો બચાવ કર્યો હતો. આ સાથે જ આઠ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. હિમાચલ અને ઉત્તરાખંડમાં હજુ પણ પાંચથી છ નેશનલ હાઈવે અને ઘણા રસ્તાઓ બંધ છે. ભારે વરસાદ અને પાણી ભરાવાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.


પંજાબના 17 જિલ્લાઓમાં એલર્ટ

હવામાન વિભાગે પંજાબના માલવા ક્ષેત્રના 10 સહિત કુલ 17 જિલ્લાઓમાં આજે  ભારે વરસાદ માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત હરિયાણાના પૂર પ્રભાવિત જિલ્લાઓના શહેરી વિસ્તારોમાં પાણી સતત ઘટી રહ્યું છે. પરંતુ ફતેહાબાદની આસપાસની ધાણી હજુ પણ પૂર જેવી સ્થિતિ છે.

જમ્મુ અને કાશ્મીરમાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા

જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદને કારણે તાવી, ચિનાબ, ઉજ્જ નદીઓ અને નાળાઓમાં ઘોડાપૂર આવ્યા છે. ઉત્તરાખંડમાં ભૂસ્ખલનને કારણે ગંગોત્રી-યમુનોત્રી નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. હિમાચલમાં પણ નેશનલ હાઈવે પાંચ સહિત ચાર નેશનલ હાઈવે અને 466 અન્ય રસ્તાઓ ભુસ્ખલન થવાના કારણે બંધ છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 101 લોકોના મોત

મહારાષ્ટ્ર સ્ટેટ ડિઝાસ્ટર સિચ્યુએશન રિપોર્ટ અનુસાર 1 જૂનથી 28 જુલાઈ સુધી વરસાદ સંબંધિત ઘટનાઓમાં 101 લોકોના મોત થયા છે અને 126 લોકો ઘાયલ થયા છે જ્યારે 13 લોકો ગુમ છે. ગઈકાલે પણ મુંબઈ અને રાયગઢ સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થયો હતો. મુંબઈમાં મોદક સહિત લગભગ તમામ તળાવો ભરાઈ ગયા છે. ભૂસ્ખલન થવાને કારણે મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પાંચ કલાક સુધી એક તરફનો ટ્રાફિક બંધ કરી દેવામાં આવ્યો હતો.