×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હી બોર્ડર ખાલી થતા 4-5 દિવસ લાગશે, ભાજપનો વિરોધ કરવો કે નહીં તે હજી નક્કી કર્યુ નથીઃ રાકેશ ટિકૈત


નવી દિલ્હી, તા. 11. ડિસેમ્બર 2021 શનિવાર

ખેડૂત આંદોલન સમાપ્ત થયા બાદ હવે ખેડૂતો દિલ્હી બોર્ડર ખાલી કરીને આજથી ઘરે જવા માંડ્યા છે ત્યારે ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે ન્યૂઝ ચેનલો સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે, બોર્ડર સંપૂર્ણ ખાલી થતા બીજા ચાર થી પાંચ દિવસ લાગશે અને હું પંદર ડિસેમ્બરે અહીંથી રવાના થઈશ.

ટિકૈતે કહ્યુ હતુ કે, દેશમાં હજી હજારો ધરણા ચાલી રહ્યા છે અને તેમાં બેઠેલા ખેડૂતોને પણ ઘરે મોકલવાના છે.એક  મોટો સમૂહ રવિવારે સવારે આઠ વાગ્યે બોર્ડર ખાલી કરશે.આજે પણ અમારી બેઠક યોજાવાની છે અને જેમણે અમને મદદ કરી છે તે લોકોને પણ મળવાનુ છે.

તેમણે આગળ કહ્યુ હતુ કે, આ કોઈની હાર નથી અને કોઈની જીત નથી.સરકાર સાથે થયેલા સમાધાનના આધારે ખેડૂતો ઘરે જઈ રહ્યા છે.હજી યુપી, ઉત્તરાખંડ, હરિયાણાના મુખ્યમંત્રીઓને મળવાનુ છે.ભાજપનો વિરોધ કરીશું કે નહીં તે ભવિષ્યમાં નક્કી કરાશે.

ટિકૈતે ખેડૂતોને કોઈ ઉજવણી કર્યા વગર શાંતિપૂર્ણ રીતે ઘરે પાછા જવાની અપીલ કરતા કહ્યુ હતુ કે, ખેડૂત આંદોલનને સફળ બનાવવામાં ડોકટરો-હોસ્પિટલો-ખાપ પંચાયત, સફાઈ કર્મીઓ, ગુરુદ્વારા સમિતિઓએ મહત્વનો રોલ ભજવ્યો છે.ગુરુ સાહેબની કૃપા હતી એટલે આંદોલન સફળ થયુ છે. ખેડૂત આંદોલને ભાઈચારાને વધારે મજબૂત કર્યો છે.