×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હી પૂર : CM કેજરીવાલે અસગ્રસ્ત લોકો માટે વળતરની જાહેરાત કરી, સ્કુલ 18 જુલાઈ સુધી બંધ, યમુના નદીના જળસ્તરમાં ઘટાડો

નવી દિલ્હી, તા.16 જુલાઈ-2023, રવિવાર

હાલ દિલ્હીના લોકો પૂર અને વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે મહામુસીબતનો સામનો કરી રહ્યા છે. આ દરમિયાન શિક્ષણ નિદેશાલયે આજે કહ્યું કે, યમુના નદીના નજીકના વિસ્તારોની તમામ સરકારી અને ખાનગી શાળાઓ 17 તેમજ 18 જુલાઈ બંધ રહેશે. બીજી તરફ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પૂરગ્રસ્ત વિસ્તારના લોકોને રાહત આપી છે. તેમણે પૂરગ્રસ્ત પ્રત્યેક પરિવારને 10 હજાર રૂપિયા નાણાંકીય મદદની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી કેજરીવાલે પૂરથી પ્રભાવિત લોકોને 

મુખ્યમંત્રી કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું છે કે, યમુના કિનારે રહેતા ખુબ જ ગરીબ પરિવારોએ ઘણું નુકસાન થયું છે. કેટલાક પરિવારોના ઘરનો તમામ સામાન વહી ગયો હોવાના અહેવાલો પણ મળ્યા છે. પૂરથી પ્રભાવિત દરેક પરિવારને આર્થિક મદદ તરીકે પરિવાર દીઠ 10,000 રૂપિયા અપાશે. વિશેષ શિબિરો યોજવામાં આવશે. જે લોકોના આધાર કાર્ડ વગેરે કાગળો વહી ગયા છે તેમના માટે આ શિબિરનું આયોજન કરાયું છે. જે બાળકોના કપડાં અને પુસ્તકો વહી ગયા છે તેમને શાળાઓ દ્વારા અપાશે.

શાળાઓ 18 જુલાઈ સુધી બંધ

શિક્ષણ નિયામક - DEOએ આજે જણાવ્યું છે કે, યમુના નદીની નજીકના વિસ્તારોમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓ 17 અને 18 જુલાઈએ બંધ રહેશે. પૂર પ્રભાવિત વિસ્તારોની શાળાઓ ઓનલાઈન વર્ગોની વ્યવસ્થા કરી શકે છે. યમુના નદીની આસપાસના વિસ્તારોની શાળાઓમાં પૂર રાહત શિબિરો હોવાની સંભાવના હોવાથી DOEના અસરગ્રસ્ત જિલ્લાઓ પૂર્વ, ઉત્તર પૂર્વ, ઉત્તર પશ્ચિમ-A, ઉત્તર, મધ્ય અને દક્ષિણ પૂર્વના અસરગ્રસ્ત જિલ્લાઓમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓ 17 અને 18 તારીખે જુલાઈએ બંધ રહેશે.

યમુનાનું જળસ્તરમાં ઝડપથી ઘટાડો

દિલ્હીના જાહેર બાંધકામ મંત્રી અને આપ નેતા આતિશીએ જણાવ્યું કે, યમુનાનું જળસ્તરમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે અને અમને આશા છે કે આજ રાત સુધીમાં યમુનાનું જળસ્તર ખતરાના સ્તરથી નીચે આવી જશે. હવે અમારી પ્રાથમિકતા જનજીવનને સામાન્ય કરવાની તેમજ વિસ્થાપિત લોકો માટે રાહત અને પુનર્વસન શિબિરો સ્થાપવાની છે. પરંતુ હજુ પણ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. અમે રસ્તાઓ પરથી પાણી હટાવી રહ્યા છીએ.

યમુનાનું જળસ્તર ઘટ્યું

રાહતની વાત એ છે કે, દિલ્હીમાં યમુનાનું જળસ્તર ઘટી રહ્યું છે. રવિવારે રાત્રે 8 વાગ્યે યમુનાનું જળસ્તર 205.56 મીટરે પહોંચ્યું હતું. યમુના નદીના જળસ્તરમાં ઘટાડો થયા બાદ દિલ્હી મેટ્રોની બ્લૂ લાઈન પર યમુના બેંક સ્ટેશન મુસાફરોના પ્રવેશ અને બહાર નીકળવા માટે ફરી ખોલી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે, યમુના નદીનું જળસ્તર વધતા ગુરુવારે સ્ટેશન મુસાફરો માટે બંધ કરાયું હતું.