×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હીમાં AAP નહીં પાપની સરકાર, ટોયલેટની ગણતરી વર્ગખંડમાં કરીઃ ગૌરવ ભાટિયા


- 'જે વિભાગની વાત કરો તેમાં કૌભાંડ છે, 29 રેઈન હાર્વેસ્ટિંગ સિસ્ટમ બનાવવાના હતા અને જ્યારે ઈન્સપેક્શન થયું ત્યારે જમીન પર માત્ર 2 જ હતા'

નવી દિલ્હી, તા. 29 ઓગષ્ટ 2022, સોમવાર

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ત્યાં સીબીઆઈના દરોડા બાદ દિલ્હીના રાજકારણમાં ગરમાવો વ્યાપ્યો છે. આ સાથે જ ભાજપ અને આમ આદમી પાર્ટી એકબીજા સામે શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે વિધાનસભામાં વિશ્વાસનો મત રજૂ કરવાના છે. તે પહેલા જ ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને અરવિંદ કેજરીવાલ પર જોરદાર પ્રહારો કર્યા હતા. 

આ પણ વાંચોઃ કેજરીવાલ સરકાર વિધાનસભામાં લાવશે વિશ્વાસ મત પ્રસ્તાવ

ગૌરવ ભાટિયાએ જણાવ્યું કે, ભાજપે સદનમાં અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની કોઈ માગણી નથી કરી, કેજરીવાલ સિસોદિયાના કૌભાંડમાંથી ધ્યાન ભટકાવવા માટે આ પ્રકારના અખતરા કરી રહ્યા છે. 

ન્યૂયોર્ક ટાઈમ્સનું નામ જપીને જનતાનો માલ ખીસ્સામાં ભરવાનો

ગૌરવ ભાટિયાએ જણાવ્યું કે, અમે લોકોએ અરવિંદ કેજરીવાલની પાપ સરકારનું એક્સાઈઝ પોલિસી કૌભાંડ ઉઘાડું કર્યું. કેજરીવાલ દિલ્હી સરકારના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને કટ્ટર ઈમાનદાર તરીકેનું સર્ટિફિકેટ આપતા હતા તે 3 મહિનાથી જેલમાં છે અને હજું તેમને મંત્રી પદ પરથી હટાવાયા નથી. કેજરીવાલ એમ કહે છે કે, વિશ્વના સર્વશ્રેષ્ઠ શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા છે અને ન્યૂયોર્ક ટાઈમ્સમાં તેમનું નામ આવે છે, તેમને રાજકીય દ્વેષથી હેરાન કરવામાં આવી રહ્યા છે. તો દિલ્હીના શિક્ષણ વિશે વાત કરીએ... આપનું એક જ સપનું લાગે છે કે, 'ન્યૂયોર્ક ટાઈમ્સ કા નામ જપના, જનતા કા માલ અપના.'

ટોયલેટની ગણતરી વર્ગખંડ તરીકે કરાવી

તેમણે જણાવ્યું કે, આપના મેનિફેસ્ટોને જોઈએ તો કેજરીવાલે વચન આપ્યું હતું કે, દિલ્હીમાં 500 નવી શાળાઓ બનાવાશે. શાળાઓ ન બની પરંતુ ખૂબ જ સુનિયોજિત રીતે પહેલા PWD વિભાગ પાસેથી રિપોર્ટ મંગાવ્યો. પછી વર્તમાન શાળાઓમાં વધારાના રૂમ બનાવવાની વાત કરી. શાળાઓમાં 2,400 રૂમની જરૂર હતી તેને વધારીને 7,180 કરવામાં આવ્યા. એક અંદાજ પ્રમાણે તેના લીધે 326 કરોડ રૂપિયાનો ખર્ચો વધ્યો. તે ટેન્ડરની રકમના 53 ટકાથી પણ વધારે હતો. ખર્ચો વધવાના કારણે 6,133 નવા વર્ગખંડનું નિર્માણ કરવાના હતા પરંતુ માત્ર 4,027 વર્ગખંડનું નિર્માણ કરવામાં આવ્યું. તેમણે ટોયલેટની ગણતરી પણ વર્ગખંડ તરીકે કરાવી દીધી. 

AAPના DNAમાં ભ્રષ્ટાચાર

ભાજપના પ્રવક્તાએ કેજરીવાલ સરકાર ભ્રષ્ટાચારમાં તરબોળ હોવાનો આરોપ લગાવતા કહ્યું કે, આ આપ નહીં પણ પાપ છે. જે વિભાગની વાત કરો તેમાં કૌભાંડ છે. 29 રેઈન હાર્વેસ્ટિંગ સિસ્ટમ બનાવવાના હતા અને જ્યારે ઈન્સપેક્શન થયું ત્યારે જમીન પર માત્ર 2 જ હતા. આપના ડીએનએમાં જ ભ્રષ્ટાચાર છે.