×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હીમાં વરસાદી આફત પર રાજકારણ : ‘તો શું વરસાદ ફોન કરીને આવશે…’ કેજરીવાલના નિવેદન પર કોંગ્રેસે કર્યો કટાક્ષ

નવી દિલ્હી, તા.10 જુલાઈ-2023, સોમવાર

મૂશળધાર વરસાદે દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ અને હિમાચલ પ્રદેશ સહિત દેશના ઉત્તરીય રાજ્યોમાં ગંભીર સ્થિતિ ઉભી કરી છે. આ રાજ્યોની ઘણી નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, તો છેલ્લા 24 કલાકમાં 7 રાજ્યોમાં ભુસ્ખલનન અને પૂરની જુદી જુદી ઘટનાઓમાં 56ના મોત થયાના અહેવાલો સામે આવ્યા છે. દિલ્હીમાં પડી રહેલા વરસાદથી યમુના નદીના ધસમસતા પ્રવાહ અને જળસ્તરમાં વધારો થતાં તમામના જીવ અધ્ધર થયા છે. આ સ્થિતિને ધ્યાને લઈ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બેઠક યોજી, જેમાં તેમણે કહ્યું કે, દિલ્હીની સિસ્ટમ આવા વરસાદ માટે બની નથી... આ સમયે તમામ રાજ્યોએ સાથે મળીને કામ કરવું જોઈએ... ત્યારે કેજરીવાલના આ નિવેદન પર કોંગ્રેસે કટાક્ષ કર્યો છે.

દિલ્હી આવા વરસાદ માટે તૈયાર ન હોવાનું કેજરીવાલનું નિવેદન હાસ્યાસ્પદ : ગૌરવ વલ્લભ

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ વલ્લભે જણાવ્યું કે, દિલ્હી આવા વરસાદ માટે તૈયાર ન હોવાનું કેજરીવાલનું નિવેદન હાસ્યાસ્પદ લાગે છે. વરસાદ ફોન કરીને આવતો નથી. તેને પહોંચી વળવા અગાઉથી તૈયારીઓ કરીને રાખવી પડે છે... તેમણે કહ્યું કે હિમાચલ પ્રદેશ અને દિલ્હી સરકારને પૂર રાહત માટે પીએમ કેર ફંડમાંથી પૈસા મળવા જોઈએ.

કોંગ્રેસ કોઈપણ પ્રકારની હિંસાની વિરુદ્ધ 

ગૌરવ વલ્લભે બંગાળ હિંસાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી કોઈપણ પ્રકારની હિંસા વિરુદ્ધ છે. જો ભાજપ હોત તો તે ગુનેગારોની સાથે ઉભી હોત, પરંતુ મમતા બેનર્જી ગુનેગારો સામે કાર્યવાહી કરવાની વાત કરી રહી છે. અમે માનીએ છીએ કે લોકશાહીમાં હિંસા માટે કોઈ સ્થાન નથી.

પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશમાં મેઘ તાંડવ

દરમિયાન છેલ્લા બે દિવસથી પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશમાં મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે. આ રાજ્યોમાં આજે પણ સ્થિતિ વધુ ખરાબ જોવા મળી રહી છે. પહાડોની સાથે મેદાની વિસ્તારોમાં પણ મેઘ તાંડવના દ્રશ્યો સામે આવ્યા છે. પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ વરસાદે તબાહી મચાવી છે. ગુરુગ્રામની નજીકના વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ ગયા છે. દિલ્હીમાં મિન્ટો બ્રિજના અંડરપાસની નીચે પાણી ભરાઈ ગયું છે, જેના કારણે તેને બંધ કરી દેવામાં આવ્યો છે. તો પંજાબમાં વરસાદે કોઈ ઓછી તબાહી સર્જી નથી. વરસાદને કારણે ચંદીગઢની એક સોસાયટીમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે વહીવટીતંત્રને સોસાયટીની અંદર બોટ ચલાવવી પડી હતી.

યમુના નદીનું રૌદ્ર સ્વરૂપ 

યમુના નદી ચેતવણીના સ્તરને પાર પહોંચવાની તૈયારીમાં  છે. બપોરે 2 વાગ્યે જૂના રેલવે બ્રિજ પર નદીનું જળસ્તર 204.88 મીટર નોંધાયું હતું. નદીનું જોખમ સ્તર 205.33 મીટર છે. બપોરે 2 વાગ્યે હથનીકુંડ બેરેજમાંથી 2,13,679 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.