×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હીમાં વધુ એક ક્રૂર હત્યાઃ મા-દીકરાએ પતિની હત્યા કરી, મૃતદેહના 10 ટૂકડાં ફ્રિજમાં સંગ્રહી રાખ્યાં


- દિલ્હીમાં શ્રદ્ધા મર્ડર કેસ જેવી જ ઘટના સામે આવી

- પૂનમે અંજન સાથે ત્રીજી વખત લગ્ન કર્યા હતાઃ આગલા લગ્નથી થયેલા દીકરાની વહુ ઉપર પતિ નજર બગાડતો હોવાથી મોતને ઘાત ઉતાર્યો 

- નશાની દવા આપીને મા-દીકરાએ અંજનનું ગળું દાબીને હત્યા કરી, લાશનો એક-એક ટૂકડો મેદાનમાં ફેંક્યો : છ મહિને હત્યાનો પર્દાફાશ 

નવી દિલ્હી : દિલ્હીના પાંડવ નગરમાં શ્રદ્ધા મર્ડર કેસ જેવી જ ઘટના સામે આવી છે. પત્નીએ દીકરા સાથે મળીને પતિની હત્યા કરી દીધી હતી. પતિના મૃતદેહના ૧૦ ટૂકડાં કરીને ફ્રિજમાં મૂકી દીધા હતા. એ પછી એક-એક કરીને લાશના ટૂકડાં મેદાનમાં ફેંકીને નિકાલ કર્યો હતો. આ ઘટનામાં પોલીસે મા-દીકરાની ધરપકડ કરી છે. છ મહિના પછી આ હત્યાનો પર્દાફાશ થયો હતો. સીસીટીવીના આધારે પોલીસે મર્ડરનું રહસ્ય ઉકેલ્યું હતું.

આખો ઘટનાક્રમ કંઈક આવો છે ઃ વર્ષો પહેલાંની વાત છે. બિહારની પૂનમ નામની ૧૩ વર્ષની કિશોરીના લગ્ન સુખદેવ નામના યુવાન સાથે કરી દેવામાં આવે છે. બંને થોડો વખત સાથે રહ્યાં. સુખદેવ એક દિવસ પત્ની અને બાળકને બિહારમાં મૂકીને દિલ્હી આવી જાય છે. પત્ની પૂનમ જેમ તેમ કરીને દિલ્હી આવી પહોંચે છે અને પતિની શોધખોળ શરૂ કરે છે. પતિની કોઈ ભાળ મળતી નથી, પરંતુ એ દરમિયાન એ બિહારના જ એક કલ્લુ નામના યુવાનના પરિચયમાં આવી. પતિની ભાળ મેળવવાનું કામ પડતું મૂકીને પૂનમ નવા બનેલા દોસ્ત કલ્લુ સાથે લગ્ન કરી લે છે નેદિલ્હીમાં જ રહેવા લાગી.

બંનેના લાંબાં સહવાસ દરમિયાન ત્રણ સંતાનોનો જન્મ થયો. ૨૦૧૬માં પૂનમનો પતિ કલ્લુ બીમારીમાં મૃત્યુ પામ્યો. એ પછી પૂનમ અંજન નામના આધેડ સાથે રહેવા લાગી. પૂનમના આગલા લગ્નથી થયેલાં સંતાનો પણ મોટા થઈ ચૂક્યા હતા. દરમિયાન મોટા દીકરા દીપકના લગ્ન થયાં. બીજી તરફ અંજન દરરોજ પૂનમ સાથે ઝઘડા કરવા લાગ્યો. નોકરી-ધંધો બંધ કરીને પૂનમની કમાણી પર જીવવા લાગ્યો. અંજન મૂળ બિહારનો વતની હતો. બિહારમાં તેણે લગ્ન પણ કર્યા હતા અને આઠ બાળકોનો પિતા પણ હતો. એ વાત પૂનમને જાણ થઈ પછી ઝઘડા વધ્યાં. અંજને લગ્નની વાત છૂપાવી રાખી હતી ને પૂનમના ઘરેણાં વેચીને જે રકમ આવી એ બિહાર મોકલી આપી. તેનાથી પૂનમ કાળઝાળ થઈ ગઈ. એ જ દરમિયાન પૂનમ અને તેના દીકરા દીપકના ધ્યાનમાં આવ્યું કે અંજન દીપકની પત્ની પર નજર બગાડે છે ને પૂનમની આગલા ઘરની દીકરી ઉપર પણ તેની ખરાબ નજર છે.

મા-દીકરાએ અંજનની હત્યાનું કાવતરું ઘડી કાઢ્યું. એક દિવસ અંજન ઘરે આવ્યો એટલે પૂનમે તેને નશાની દવા પીવડાવી દીધી. નશાની હાલતમાં જ મા-દીકરાએ અંજનનું ગળું દાબીને હત્યા કરી નાખી. ઠંડા કલેજે લોહી વહી જવા દીધું. મૃતદેહના દસેક ટૂકડાં કર્યાં ને પછી ફ્રિજમાં મૂકી દીધા. ઘરમાંથી લોહી સાફ કરી નાખ્યું. ફ્રિજમાં રાખેલા લાશના એક પછી એક ટૂકડાં મેદાનમાં ફેંકવાનું શરૂ કર્યું.

ગત પાંચમી જૂને પોલીસને રામલીલા મેદાનમાંથી મૃતદેહના ટૂકડાં મળ્યા હતા. એ પછીના ત્રણ-ચાર દિવસ સુધી ટૂકડાં મળતા રહ્યાં. પોલીસે કેસ દાખલ કરીને તપાસ હાથ ધરી. લાશની ઓળખ શક્ય બનતી ન હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું એમાં છ મહિને હત્યાનો ભાંડો ફૂટયો. મા-દીકરો સીસીટીવીમાં મૃતદેહમાં નિકાલ કરતાં જણાયા હતા.

 પોલીસે શંકાના આધારે પૂછપરછ કરી. પાંચ-છ મહિનાથી અંજન ગુમ થયો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. એ પછી મા-દીકરા સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે . હત્યા વખતે પૂનમ અને દીપકે જે કપડાં પહેર્યા હતા એ પણ પોલીસે પુરાવા માટે જપ્ત કર્યાં છે.