×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હીમાં રોહિંગ્યાઓના 53 ઝૂંપડા બળીને રાખ, ગૃહસ્થીનો સામાન સળગી ગયો


- સિંચાઈ વિભાગની જમીન પર રોહિંગ્યાઓની વસ્તીમાં થોડા વર્ષ પહેલા પણ આગ લાગી હતી

નવી દિલ્હી, તા. 13 જૂન, 2021, રવિવાર

દિલ્હીના મદનપુર ખાદર વિસ્તારમાં રહેતા રોહિંગ્યાઓની વસ્તીમાં શનિવારે મોડી રાતે આગ લાગી હતી. આગ હોનારત અંગે જાણ થતાં જ રાતના આશરે 11:55 કલાકે ફાયર વિભાગની 11 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગ લાગવાના કારણે અનેક લોકોને ભારે નુકસાન ભોગવવું પડ્યું છે પરંતુ ઈસ્માઈલ નામની એક વ્યક્તિને તેનો સૌથી મોટો ફટકો પડ્યો છે. 

ઈસ્માઈલ ભાઈએ પોતાની દીકરીના લગ્ન નક્કી કરીને રાખ્યા હતા પરંતુ આગમાં લગ્નના કપડા અને ઘરેણા સહિતનો તમામ સામાન સળગીને નાશ પામ્યો છે. જાણવા મળ્યા મુજબ આગ લાગવાના કારણે 53 જેટલા ઝૂંપડાઓ સળગીને રાખ થઈ ગયા છે અને મહિલાઓ, બાળકોએ રસ્તા પર આકાશ નીચે ખુલ્લામાં રાત કાઢવી પડી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી નોંધાઈ. પરંતુ ઝૂંપડાઓમાં રહેલો ગૃહસ્થીનો તમામ સામાન સળગીને રાખ થઈ ગયો છે. જોકે દુર્ઘટના બાદ તરત જ મદદ કરવા માટેના હાથ આગળ આવી રહ્યા છે જે રાહતની વાત કહી શકાય. 

રોહિંગ્યાઓની આ વસ્તી જેતપુર રોડ પર મદનપુર ખાદરમાં સિંચાઈ વિભાગની જમીન પર વસેલી છે. રોહિંગ્યા સમાજના લોકો છેલ્લા 9 વર્ષથી આ જગ્યાએ ઝૂંપડા બનાવીને રહે છે. થોડા વર્ષ પહેલા પણ આ જગ્યાએ આગ લાગવાની ઘટના બની હતી. સિંચાઈ વિભાગની આ જમીન ખાલી કરાવવા માટે પણ અનેક વખત પ્રયત્નો થયા છે. 

તાજેતરમાં જ દિલ્હીના લાજપત નગર ખાતે પણ એક 4 માળની ઈમારતમાં આગ લાગી હતી. આગ લાગવાના કારણે 5 મોટા શોરૂમમાં રહેલો કરોડો રૂપિયાનો સામાન બળીને રાખ થઈ ગયો હતો.