×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હીમાં ફરી ભૂકંપ : 6.6ની તીવ્રતા બાદ 2.7નો આંચકો આવતા લોકોમાં ફફડાટ

નવી દિલ્હી, તા.22 માર્ચ-2023, બુધવાર

દિલ્હીમાં આજે બુધવારે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.7 મપાઈ હતી. આ ભૂકંપનું એપી સેન્ટર નવી દિલ્હીમાં જમીનથી પાંચ કિલોમીટરની ઊંડાઈએ હતું. આસપાસના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ગઈકાલે આવ્યો હતો 6.6ની તીવ્રતાનો આંચકો

અગાઉ ગઈકાલે મંગળવારે રાત્રે 10.19 વાગ્યે દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.6 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ધરતીકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં જમીનથી 156 કિલોમીટરની ઊંડાઈએ હતું.

ગઈકાલે 2થી 3 આંચકા આવતા લોકોમાં દહેશત

મંગળવારે આવેલા ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકો ગભરાઈને ઘરની બહાર આવી ગયા હતા. દિલ્હી ઉપરાંત ઉત્તરાખંડ, પંજાબમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગઈકાલે જ્યાં પણ ભૂકંપ આવ્યો હતો ત્યાં લોકોમાં ડરનો માહોલ ઉભો થયો હતો. ગઈકાલે બેથી ત્રણ વખત આંચકા અનુભવાતા લોકો ચિંતિત બન્યા હતા.

ગઈકાલે આવેલા ભૂકંપની અસર ભારત-પાકિસ્તાનમાં પણ જોવા મળી

ગઈકાલે અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપની અસર ભારત અને પાકિસ્તાનમાં પણ જોવા મળી હતી. ભૂકંપની તિવ્રતા ૬.૬ની હોવાના રિપોર્ટ સામે આવ્યા હતો. અફઘાનિસ્તાન, પાક., ભારત ઉપરાંત ઉઝબેકિસ્તાન, તજીકિસ્તાન, ચીન, તુર્કમેનિસ્તાન, કિર્ગીસ્તાન અને કઝાખસ્તાનમાં પણ આંચકા અનુભવાયા હતા. જ્યારે ભારતમાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભૂકંપની અસર જોવા મળી હતી. અમદાવાદમાં પણ કેટલાક વિસ્તારોમાં આંચકા આવ્યા હતા. ભૂકંપના કેન્દ્ર અફઘાનિસ્તાનથી શરૂ થયેલા ભૂકંપના આંચકા કુલ નવ દેશો સુધી અનુભવાયા છે.  આ ભૂકંપમાં પાકિસ્તાનમાં ૨ મહિના સહિત કુલ ૯ લોકો જ્યારે અફઘાનિસ્તાનમાં કુલ ૧૦ લોકોના મોતના અહેવાલ મળ્યા છે. આ સાથે અનેક ઈમારતો પણ ધસી પડી છે. ભારતમાં પણ ફફડાટની સ્થિતિ જોવા મળી રહી છે.