×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

‘દિલ્હીમાં પૂર ભાજપ-કેન્દ્ર સરકારનું કાવતરું, બધુ પાણી આ 2 રાજ્યોના બદલે દિલ્હીમાં છોડાયું’ AAPના દિગ્ગજ નેતાનો ગંભીર આરોપ

નવી દિલ્હી, તા.14 જુલાઈ-2023, શુક્રવાર

દિલ્હીમાં આવેલા પૂરને લઈને હવે રાજકીય ધમાસાણ શરૂ થઈ ગયું છે. દિલ્હીના દિગ્ગજ AAP નેતાએ બે રાજ્યો સામે આંગળી ચિંધી ભાજપ અને કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા છે. આમ આદમી પાર્ટીએ પૂરની સ્થિતિ પાછળ ભાજપ અને કેન્દ્ર સરકારનું કાવતરું ગણાવ્યું છે. આપનું કહેવું છે કે, નફરત અને દ્વૈષના કારણે 9થી 13 જુલાઈ સુધી તમામ પાણી દિલ્હી તરફ છોડવામાં આવ્યું... દિલ્હીની જનતાએ અરવિંદ કેજરીવાલને દિલ્હીમાં જીતાડ્યા અને MCDમાં પણ આપની સરકાર બનાવી, તેથી જ ભાજપ દિલ્હીને ખૂબ નફરત કરે છે.

3 રાજ્યોમાં સમાન પાણી છોડવાના બદલે બધુ પાણી દિલ્હી તરફ છોડાયું

રાજ્યસભાના સભ્ય સંજય સિંહે કહ્યું કે, દિલ્હીમાં આવેલા પૂર ભાજપ અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત હતું. દિલ્હીમાં 3 દિવસથી વરસાદ પડ્યો નથી, છતાં યમુનાનું જળસ્તર ખતરાના નિશાનને વટાવી ગયું છે, કારણ કે હથિનીકુંડમાંથી તમામ પાણી દિલ્હી તરફ યમુનામાં છોડાયું છે. આવી સ્થિતિમાં હથિનીકુંડમાંથી ઉત્તર પ્રદેશ, હરિયાણા અને દિલ્હી તરફ સમાન પ્રમાણમાં પાણી છોડવામાં આવે છે.

દિલ્હીમાં 3 દિવસથી વરસાદ નથી, તો પૂર પાછળનું કારણ શું

સંજય સિંહે જણાવ્યું કે, દેશના 5 રાજ્યો હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશ પૂરથી સંપૂર્ણરીતે પ્રભાવિત છે. જો દિલ્હીની વાત કરીએ તો, અહીં છેલ્લા 3 દિવસથી વરસાદ થયો નથી, ત્યારે આવી સ્થિતિમાં અહીં પૂર પાછળનું કારણ શું છે.

દિલ્હીનું પૂર કુદરતી નહીં, પ્રાયોજિત કરાયેલી આપત્તિ

સંજય સિંહે વધુમાં જણાવ્યું કે, દિલ્હીમાં વરસાદ વગરનું પૂર આવ્યું છે, તે એક પ્રાયોજિત કરાયેલી આપત્તિ છે. આ કોઈ કુદરતી આપત્તિ નથી. આ બાબત અમે સંપૂર્ણ જવાબદારી સાથે કહી શકીએ છીએ. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમના મંત્રીઓ સાથે ફીલ્ડ પર હાજર છે અને પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે. ભાજપના લોકો મજાક ઉડાવી રહ્યા છે, મીમ્સ બનાવી રહ્યા છે. ભાજપના લોકો સમજી નથી રહ્યા કે, તેઓ જે કામ કરી રહ્યા છે તેના કારણે જનતાના દિલમાં તેમનું જ મીમ બની રહ્યું છે.