×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હીમાં પહેલવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પુનિયા-ફોગાટની મેડલ પાછા આપવા ચીમકી


- બજરંગ પુનિયાની ખેડૂતોને જંતર મંતર પર એકત્ર થવા હાકલ

- બ્રિજભુષણ સામે એફઆઈઆર થઈ, હવે વધુ કાર્યવાહી માટે પહેલવાનો નીચલી કોર્ટમાં જઈ શકે : સુપ્રીમે અરજી બંધ કરી

- જંતર-મંતર પર વ્યાપક સંખ્યામાં લોકોના એકત્ર થવાના ડરે દિલ્હી પોલીસે ગીતા ફોગાટને પહેલવાનોને મળતાં અટકાવી

નવી દિલ્હી : દિલ્હીમાં જંતર-મંતર પર રેસલિંગ ફેડરેશનના અધ્યક્ષ બ્રિજભુષણ સિંહ વિરુદ્ધ ધરણાં કરી રહેલા પહેલવાનો અને દિલ્હી પોલીસ વચ્ચે બુધવારે મોડી રાતે ઘર્ષણ થયું હતું. દિલ્હી પોલીસના આ વર્તનથી દુઃખી થઈ ગયેલા પહેલવાનો વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ તેમણે દેશ માટે જીતેલા મેડલો સરકારને પાછા આપી દેવાની ચીમકી આપી છે. બીજીબાજુ સુપ્રીમ કોર્ટે પહેલવાનોએ કરેલી અરજી બંધ કરી દેતાં જણાવ્યું હતું કે અરજીનો આશય પૂરો થઈ ગયો છે. બ્રિજભૂષણ સામે એફઆઈઆર થઈ ગઈ છે.

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબલ્યુએફઆઈ)ના અધ્યત્ર બ્રિજભુષણ શરણ સિંહ વિરુદ્ધ આંદોલન કરી રહેલા પહેલવાનો અને દિલ્હી પોલીસ વચ્ચે બુધવારે મોડી રાતે ઘર્ષણ થયું હતું. દેખાવો કરી રહેલા પહેલવાનો મોડી રાતે જંતર-મંતર પર વધુ ગાદલા અને પલંગ લાવવા માગતા હતા. આ સમયે કથિત રીતે દારૂ પીધેલી હાલતમાં એક પોલીસ કર્મચારીએ સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને સંગીતા ફોગાટ સાથે ગેરવર્તણૂક કરી હતી. ત્યાર પછી દિલ્હી પોલીસ અને પહેલવાનો વચ્ચે ઘર્ષણ વધી ગયું હતું. રાતે જેમ-તેમ કરી મામલો માંડ શાંત પડયો હતો.

આ ઘટનાથી પહેલવાનો ભડકી ઊઠયા છે. વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ ત્યાં સુધી કહી દીધું કે અમે મેડલ સરકારને પાછા આપી દઈશું. બજરંગ પુનિયાએ કહ્યું કે દેશ માટે મેડલ જીતનારા પહેલવાનો સાથે આવું વર્તન થાય તો અમને આવા મેડલ નથી જોઈતા. દિલ્હી પોલીસ અને બ્રિજભુષણના માણસો શરૂઆતથી જ આ ધરણાં તોડવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. બજરંગ પુનિયાએ આ સાથે ખેડૂતો સહિત દેશવાસીઓને તેમના આંદોલનને સમર્થન આપતા જંતર-મંતર પર એકત્ર થવાની હાકલ કરી હતી. જોકે, દિલ્હી પોલીસે ગીતા ફોગાટ સહિત અન્ય લોકોને ગુરુવારે જંતર-મંતર પર જતા અટકાવ્યા હતા.

વિનેશ ફોગાટ તેની સાથેના વર્તનથી રડી પડી હતી. તેણે કહ્યું કે, આટલા કૌભાંડ કરનારો બ્રિજભુષણ આરામથી સૂઈ રહ્યો છે અને અમે એક બેડ લઈ આવ્યા તો તેના પર પણ અમને ધક્કા મારવા લાગ્યા. 

આવા જ દિવસો અમારે જોવાના હોય તો હું ઈચ્છીશ કે કોઈ દેશ માટે મેડલ લઈને ના આવે. આજે એવી સ્થિતિ થઈ ગઈ છે કે મહિલાઓ અને છોકરીઓ ન્યાય મેળવવા માટે રસ્તા પર ઉતરી છે અને તેમને કોઈ ન્યાય અપાવનાર નથી. દરેક મુદ્દાને રાજકારણ સાથે જોડી દેવાય છે.

દરમિયાન બ્રિજભુષણ વિરુદ્ધ પહેલવાનોએ સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી ગુરુવારે બંધ કરી દેવાઈ હતી. જોકે, આ સમયે ફરી સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસની ઝાટકણી કાઢી હતી અને હજુ સુધી મેજિસ્ટ્રેટ સામે પીડિતોના નિવેદન કેમ નથી નોંધાયા તેવો સવાલ કર્યો હતો. આ સાથે મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે જણાવ્યું હતું કે, પહેલવાનોએ કરેલી અરજીનો આશય બ્રિજભુષણ સામે એફઆઈઆર નોંધાવવાનો હતો, જે પૂરો થયો છે. અમે આ અરજી બંધ કરી રહ્યા છીએ. હવે અરજદારો વધુ કાર્યવાહી માટે નીચલી અદાલત અથવા હાઈકોર્ટમાં જવા માટે સ્વતંત્ર છે. પહેલવાનોએ દિલ્હી પોલીસ પર યોગ્ય રીતે તપાસ નહીં કરવાનો આરોપ મૂક્યો છે.