×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હીમાં ગરમીએ તોડ્યો 90 વર્ષનો રેકોર્ડ, પારો 45ને પાર, રાતે પણ રાહત નહીં


- હવામાન વિભાગે દિલ્હીમાં હીટવેવની જાહેરાત કરી દીધી

નવી દિલ્હી, તા. 02 જુલાઈ, 2021, શુક્રવાર

દિલ્હીમાં ગરમીએ 90 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. છેલ્લા 3 દિવસથી જોરદાર લૂનો પ્રકોપ સહન કરી રહેલા દિલ્હીના મંગેશપુરનું તાપમાન 45.2 ડિગ્રીએ પહોંચી ગયું છે. જ્યારે નજફગઢનું તાપમાન 44 ડિગ્રી અને પીતમપુરાનું તાપમાન 44.3 ડિગ્રી નોંધાયું હતું. ચોમાસાની સીઝનમાં આ ભયંકર ગરમીના કારણે હાહાકાર મચી ગયો છે. દિલ્હી ગરમીમાં શેકાઈ રહ્યું છે અને માત્ર બપોરે જ નહીં પણ રાતે અને સવારે પણ લૂ અનુભવાઈ રહી છે. આ કારણે જ હવામાન વિભાગે દિલ્હીમાં હીટ વેવની જાહેરાત કરી દીધી છે. જ્યારે ચોમાસુ મોડું હોવાથી ગરમીનો કહેર ચાલુ રહેશે તેવા અણસાર છે. 

દેશની રાજધાની દિલ્હીમાં પારો સતત 40 ડિગ્રીને પાર ચઢેલો છે. હાલ દિલ્હીમાં ચોમાસાનો ઝરમર વરસાદ વરસવો જોઈએ તેના બદલે આકાશમાંથી વરસાદના છાંટણા નહીં પણ સૂરજની આગ વરસી રહી છે. સૌથી મોટી મુશ્કેલી એ છે કે, દિલ્હી-એનસીઆરમાં આખો દિવસ ગરમ હવાઓ અને કાળઝાળ ગરમીના કારણે લોકોનો જીવ મુંઝાય છે અને રાતે પણ તાપમાનમાં કોઈ રાહત નથી મળતી. 

દિલ્હીમાં 29મી જૂને રાતનું ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતું જ્યારે 30મી જૂને દિલ્હીનું ન્યૂનતમ તાપમાન 31.7 ડિગ્રી રેકોર્ડ થયું હતું. મતલબ કે, એક જ દિવસમાં 2 ડિગ્રી કરતા વધારેનો વધારો થયો. હવામાન ક્ષેત્રના વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે જ્યારે ન્યૂનતમ તાપમાન 30 ડિગ્રીની ઉપર પહોંચી જાય ત્યારે રાતે પણ વાતાવરણ ખૂબ જ ગરમ અને મુશ્કેલીજનક બની જાય છે. 

હવામાન વિભાગે દિલ્હીમાં હીટવેવની જાહેરાત કરી દીધી છે. કોઈ શહેર કે વિસ્તારનું મહત્તમ તાપમાન સતત 40 ડિગ્રીથી વધારે રહે ત્યારે આવી સ્થિતિ નિર્માણ પામે છે. જ્યારે તાપમાન સામાન્ય કરતા ઓછામાં ઓછું 4.5 ડિગ્રી વધારે હોય.