×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હીમાં કાંટાળી તાર, ખીલા, સીમેન્ટની દિવાલ : ખેડૂતોને રોકવા કેન્દ્રના ઉધામા


(પીટીઆઈ) નવી દિલ્હી, તા.૨

મોદી સરકારે બનાવેલા કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની સરહદો પર બે મહિના કરતાં વધુ સમયથી આંદોલન કરી રહેલા ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશતાં રોકવા સરકારે દિલ્હીની સરહદો પર કાંટાળી વાડ, ખીલા, સીમેન્ટની કામચલાઉ દિવાલ જેવા અનેક સ્તરના સજ્જડ અવરોધો ઊભા કરી દીધા છે. જોકે, પડોશી દેશો પાકિસ્તાન અને ચીન માટે દેશની સરહદો ખૂલ્લી છે. પાકિસ્તાનમાંથી આતંકીઓ સુરંગ સહિત ગમે ત્યારે એલઓસી ઓળંગીને ભારતમાં ઘૂસી આવે છે જ્યારે ચીને તો અરૂણાચલમાં એક આખું ગામ વસાવી લીધું છે. આતંકીઓ અને ચીનના સૈનિકોને દેશની સરહદો ઓળંગતા રોકવા કેન્દ્ર પાસે કોઈ સંશાધનો નથી જ્યારે દેશના જ નાગરિકો એવા ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશતા અટકાવવા માટે કેન્દ્રના આ પ્રયાસોની દેશમાં ચારેકોરથી ટીકા થઈ રહી છે.

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં સિંઘુ અને ગાઝીપુર સરહદો પર આંદોલન કરી રહેલાં ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશતાં રોકવા માટે દિલ્હી પોલીસે આંદોલન સ્થળો પર અનેક સ્તરના અવરોધો ઊભા કરી દીધા છે. પ્રજાસત્તાક દિને દિલ્હીમાં થયેલી હિંસા પરથી બોધ લેતાં દિલ્હી પોલીસે ખેડૂતોના આંદોલન સ્થળે બેરિકેડિંગ કરવા ઉપરાંત મોટી સંખ્યામાં પોલીસ દળો ગોઠવી દીધા છે. આંદોલનના કવરેજ માટે મીડિયાના કર્મચારીઓને પણ આંદોલન સ્થળે જતાં અટકાવાઈ રહ્યા છે.


બીજીબાજુ ગાઝીપુર સરહદે ખેડૂત સંગઠન બીકેયુએ જણાવ્યું હતું કે સરકાર અનેક અવરોધો ઊભા કરી રહી હોવા છતાં આંદોલનકારી ખેડૂતોના સમર્થનમાં હજારો ખેડૂતો ગાઝીપુર અને સિંઘુ સરહદો પર પહોંચી રહ્યા છે. બીકેયુના ઉત્તર પ્રદેશ એકમના પ્રવક્તા પવન ખતાનાએ કહ્યું કે, 'આંદોલન તો મુશ્કેલીમાં મુકાતા જ થાય છે, સુવિધાઓ સાથે કયું આંદોલન કરવામાં આવે છે.'

તેમણે ઉમેર્યું હતું કે, અનેક સ્તરના બેરીકેડિંગ, ખીલા, તારની વાડ, સીમેન્ટની દિવાલ - સરકારે કરેલી આ બધી સલામતી વ્યવસ્થાનો શું અર્થ છે? માણસો તો છોડો લોકો આવી સ્થિતિમાં પ્રાણીઓને પણ રાખતા નથી. સિંઘુ સરહદે દેખાવો કરી રહેલા એક ખેડૂત પલવિંદર સિંહે કહ્યું કે, સરકારે ઈન્ટરનેટ પર પ્રતિબંધ મૂકીને ખેડૂતો અને લોકોના જોડાણને ખતમ કરવાનો પ્રયાસ કર્યો છે. સરકાર લોકોને આંદોલન સાથે જોડાતા રોકવા માગે છે.

દરમિયાન સરકાર સાથે વાટાઘાટોના મુદ્દે મંગળવારે સંયુક્ત કિસાન મોરચાએ જણાવ્યું હતું કે, પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોની થતી પજવણી બંધ ન થાય અને પોલીસે પકડેલા ખેડૂતોને છોડી મૂકવામાં ન આવે ત્યાં સુધી કેન્દ્ર સાથે કૃષિ કાયદા મુદ્દે કોઈ ચર્ચા કરવામાં નહીં આવે. ખેડૂત સંગઠને ભાજપ-આરએસએસના કાર્યકરો મારફત સરકાર ખેડૂતોના આંદોલનને કચડવા માગતી હોવાનો દાવો કર્યો હતો. વધુમાં આંદોલન સ્થળે વારંવાર ઈન્ટરનેટ સેવા બંધ કરવી અને ખેડૂતોના આંદોલનનું સમર્થન કરતાં અનેક ટ્વીટર એકાઉન્ટ્સ બ્લોક કરવાના સરકારના પગલાંને ખેડૂતોએ 'લોકશાહી પર સીધો હુમલો' ગણાવ્યો હતો.

દરમિયાન ખેડૂતોના આંદોલન મુદ્દે ચર્ચાની માગણી કરતાં વિપક્ષે સંસદના બંને ગૃહમાં ભારે હોબાળો મચાવ્યો હતો. જેથી સંસદીય કામગીરી આખા દિવસ માટે મુલતવી રાખવામાં આવી હતી. રાજ્યસભામાં મંગળવારે સત્ર શરૂ થતાં વિપક્ષે પ્રશ્ન કાળ રદ કરી ખેડૂતોના મુદ્દે ચર્ચાની માગણી કરી હતી, જેને અધ્યક્ષે ફગાવી દેતાં વિપક્ષના સાંસદો વેલમાં ધસી આવ્યા હતા. રાજ્યસભાની કાર્યવાહી ખોરવાતાં અધ્યક્ષે પહેલાં ૪૦ મીનીટ માટે અને પછી દિવસ માટે ગૃહ મૂલતવી રાખવાની જાહેરાત કરી હતી. જોકે, દિવસની શરૂઆતમાં સરકારે રાજ્યસભામાં ચાર બીલ રજૂ કર્યા હતા. લોકસભામાં પણ ખેડૂતોના મુદ્દે વિપક્ષના વારંવારના અવરોધોના પગલે સ્પીકર ઓમ પ્રકાશ બિરલાએ મંગળવારે ગૃહની કાર્યવાહી આખા દિવસ માટે મુલતવી રાખી હતી.