×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હીમાં આજે રાતથી 26 એપ્રિલની સવાર સુધી લોકડાઉન, જાણો શેમાં મળશે છૂટ


- કોરોનાના પ્રકોપ વચ્ચે DRDOએ દિલ્હીમાં સરદાર પટેલ કોવિડ હોસ્પિટલ બનાવી

નવી દિલ્હી, તા. 19 એપ્રિલ, 2021, સોમવાર

દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાની બેકાબૂ ગતિને કારણે લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાજ્યપાલ અનિલ બૈજલ અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હીમાં સોમવાર (આજ) રાતે 10:00 કલાકથી 26 એપ્રિલની સવાર સુધી લોકડાઉન લાગુ રહેશે. આ દરમિયાન કારણ વગર બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે અને વીકેન્ડ લોકડાઉન જેવા પ્રતિબંધો અમલી રહેશે. 

શું ખુલ્લુ અને બંધ રહેશે?

એક સપ્તાહના લોકડાઉન દરમિયાન દિલ્હીમાં આકરા પ્રતિબંધો અમલી રહેશે. દિલ્હીમાં કારણ વગર બહાર નહીં નીકળી શકાય. માત્ર જરૂરી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો જ બહાર નીકળી શકશે. દિલ્હીની તમામ ખાનગી ઓફિસોએ વર્ક ફ્રોમ હોમ કરવું પડશે, સરકારી કાર્યાલયોમાં અડધા સ્ટાફ સાથે કામ ચાલશે. 

લોકડાઉનમાં હોસ્પિટલ, મેડિકલ સ્ટોર કે વેક્સિન માટે જવાની છૂટ મળશે. રેલવે સ્ટેશન, એરપોર્ટ, બસ સ્ટેશન જવા માંગતા લોકોને પણ છૂટ મળતી રહેશે. મેટ્રો અને બસ સેવા ચાલુ રહેશે પરંતુ 50 ટકા મુસાફરો સાથે. દિલ્હીમાં બેંક, એટીએમ ખુલ્લા રહેશે. સાથે જ પેટ્રોલ પંપ પણ ખુલ્લા રહેશે. ધાર્મિક સ્થળો ખુલ્લા રાખવામાં આવશે પરંતુ મુલાકાતીઓને પ્રવેશ નહીં અપાય. 

દિલ્હીમાં તમામ થિએટર્સ, ઓડિટોરિયમ, સ્પા, જિમ, સ્વિમિંગ પુલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલેથી નિર્ધારિત લગ્નોના કાર્યક્રમોને છૂટ મળશે પરંતુ 50થી ઓછા વ્યક્તિઓને હાજર રાખી શકાશે અને તેના માટે ઈ-પાસ લેવો પડશે. જરૂરી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો આઈડી કાર્ડ દેખાડીને બહાર નીકળી શકશે. 

ઓક્સિજન અને રેમડેસિવીરની તંગીને લઈ દિલ્હી સરકારે એક્શન લીધી છે. એક કંટ્રોલ રૂમ બનાવવામાં આવી રહ્યો છે જેના અંતર્ગત સપ્લાયનો ડેટા રાખવામાં આવશે. સરકારે આ માટે નોડલ ઓફિસરની નિમણૂક કરી દીધી છે. 

કોરોનાના પ્રકોપ વચ્ચે DRDOએ દિલ્હીમાં સરદાર પટેલ કોવિડ હોસ્પિટલ બનાવી છે. હાલ ત્યાં શરૂઆતમાં 500 બેડ રાખવામાં આવ્યા છે જે પૈકીના 250 બેડ ભરાઈ પણ ગયા છે. અહીં ઓક્સિજન સપ્લાયની સાથે સાથે એર કંડિશનની સુવિધા પણ છે. બાદમાં બેડની સંખ્યા વધારીને 1,000 કરવામાં આવશે.