×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હીઃ બરફ નહીં આ યમુનાની ગંદકી છે! જ્યાં સ્નાન કરવા મજબૂર બન્યા છઠનું વ્રત કરનારાઓ


- કોરોનાના પગલે દિલ્હીની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા યમુના નદીના કિનારે છઠ પૂજાની મંજૂરી નથી આપવામાં આવેલી

નવી દિલ્હી, તા. 08 નવેમ્બર, 2021, સોમવાર

આજથી છઠના મહાપર્વની શરૂઆત થઈ ગઈ છે. દિવાળીના 6 દિવસ બાદ કારતક માસની છઠ્ઠી તિથિના રોજ છઠનો પર્વ ઉજવવામાં આવે છે. 4 દિવસના આ પર્વના પહેલા દિવસે નાહવા-ખાવાની પરંપરા હોય છે. રાજધાની દિલ્હીમાં પણ છઠનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. પરંતુ દિલ્હીની છઠ ઘાટો પરની જે તસવીરો સામે આવી રહી છે તે ખૂબ જ ચોંકાવનારી છે. 

યમુના નદીમાં ઝેરી ફીણ જામ્યા છે અને શ્રદ્ધાળુઓએ તેના વચ્ચે જ સ્નાન કરવું પડ્યું છે. જોકે કોરોનાના પગલે દિલ્હીની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ડીડીએમએ) દ્વારા યમુના નદીના કિનારે છઠ પૂજાની મંજૂરી નથી આપવામાં આવેલી. 

ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે કાલિંદી કુંજ વિસ્તારમાં યમુના નદીમાં ઝેરી ફીણ તરી રહ્યા છે અને શ્રદ્ધાળુઓ આવા ફીણ વચ્ચે સ્નાન કરી રહ્યા છે. 

પાડોશી રાજ્યોમાં પરાળી સળગાવવાના કારણે અને દિવાળી દરમિયાન જે આતશબાજી થઈ તેના કારણે રાજધાની દિલ્હીની હવા ઝેરીલી બની ગઈ છે. યમુના નદીમાં એમોનિયાનું લેવલ વધી જવાના કારણે ફીણ વળ્યા છે અને પાણીના પુરવઠાને પણ અસર પહોંચી છે. 

રાજકીય ગરમાવો

યમુના નદીમાં ફીણની વચ્ચે સ્નાન કરવાની તસવીરો સામે આવ્યા બાદ રાજકારણ ગરમાયું છે. ભાજપના નેતા અમિત માલવીયે ટ્વિટર દ્વારા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઘેર્યા છે. જ્યારે ભાજપના સાંસદ મનોજ તિવારીએ પણ કેજરીવાલ સરકારને ઘેરીને શું આ કારણે જ યમુના કિનારે છઠ પૂજા પર પ્રતિબંધ મુક્યો હતો તેવો સવાલ કર્યો છે.