×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હીઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. રંગરાજન કુમારમંગલમના પત્નીની વસંત વિહાર ખાતે હત્યા


- પોલીસે ધોબીને કસ્ટડીમાં લીધો, અન્ય 2 આરોપીઓને શોધવા પ્રયત્ન ચાલુ

નવી દિલ્હી, તા. 07 જુલાઈ, 2021, બુધવાર

દિવંગત પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. રંગરાજન કુમારમંગલમના પત્ની કિટ્ટી કુમારમંગલમની મંગળવારે રાતે દિલ્હીના વસંત વિહાર ખાતે આવેલા તેમના નિવાસ સ્થાને હત્યા કરવામાં આવી હતી. હત્યાના આ કેસમાં એક વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવી છે અને અન્ય 2 આરોપીઓની તપાસ ચાલુ છે. 

દિલ્હી પોલીસના કહેવા પ્રમાણે 67 વર્ષીય કિટ્ટી કુમારમંગલમના ઘરમાં લૂંટના ઈરાદાથી ઘૂસેલા બદમાશોએ તેમની હત્યા કરી દીધી હતી. તેઓ વસંત વિહાર ખાતે આવેલા પોતાના આવાસમાં બીજા માળે રહેતા હતા. કિટ્ટીના પતિ પી. રંગરાજન કુમારમંગલમ અટલ સરકારમાં મંત્રી હતા અને કેન્સરના કારણે તેમનું અવસાન થયું હતું.

નોકરાણીએ વર્ણવી સમગ્ર ઘટના

મંગળવારે રાતે આશરે 9:00 કલાકે કિટ્ટી કુમારમંગલમ સાથે ઘરમાં નોકરાણી પણ હાજર હતી. નોકરાણીએ જણાવ્યું કે, મંગળવારે રાતે આશરે 9:00 કલાકે ધોબી આવ્યો એટલે તેણે દરવાજો ખોલ્યો હતો. બાદમાં ઘોબી તેને ખેંચીને બાજુના રૂમમાં લઈ ગયો હતો અને બાંધી દીધી હતી. તે સમયે બીજા બે યુવાનો દાખલ થયા હતા અને તેમણે તકિયા વડે મોઢું દબાવીને કિટ્ટીની હત્યા કરી દીધી હતી. 

પોલીસના કહેવા પ્રમાણે તેમને રાતે 11:00 કલાકે આ અંગે સૂચના મળી હતી. નોકરાણીએ કોઈક રીતે પોતાને ખોલીને બૂમાબૂમ કરી હતી. નોકરાણીના નિવેદન બાદ પોલીસે રાતમાં જ રાજૂ નામના ધોબીની ધરપકડ કરી હતી. 24 વર્ષીય રાજૂ વસંત વિહારના ભંવર સિંહ કેમ્પસમાં રહે છે. કેસમાં સામેલ અન્ય 2 યુવકોની ઓળખ મેળવી લેવાઈ છે અને તેમની તપાસ ચાલી રહી છે. 

પી. રંગરાજન કુમારમંગલમ કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા અને બાદમાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. 1984થી 1996ના વર્ષ સુધી તેઓ તમિલનાડુની સલેમ લોકસભા બેઠક પર અને 1998થી 2000ના વર્ષ સુધી તેઓ તિરૂચિરાપલ્લી લોકસભા બેઠક પર સાંસદ રહ્યા હતા. જુલાઈ 1991થી ડિસેમ્બર 1993 સુધી તેમણે પીવી નરસિમ્હા રાવ સરકારમાં કાયદા, ન્યાય અને કંપની મામલાના રાજ્ય મંત્રી તરીકેની અને 1998થી 2000 સુધી વાજપેયી સરકારમાં કેન્દ્રીય વીજળી મંત્રી તરીકેની જવાબદારી સંભાળી હતી.