×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિગ્વિજય સિંહે કહ્યું- બાળકોમાં નફરતનું ઝેર ભરે છે શિશુ મંદિર, ભાજપનો પલટવાર


- દિગ્વિજય સિંહે બોલવું છે તો એ મદરેસાઓ અંગે કહે જ્યાં આતંકવાદ પેદા કરવામાં આવે છે અને માનવતાને કચડવામાં આવે છેઃ રામેશ્વર શર્મા

નવી દિલ્હી, તા. 27 સપ્ટેમ્બર, 2021, સોમવાર

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પર નિશાન સાધ્યું છે. એક કાર્યક્રમ દરમિયાન દિગ્વિજય સિંહે જણાવ્યું કે, ભાજપ અને સંઘના સરસ્વતી શિશુ મંદિરમાં ભણનારા બાળકોના મનમાં બાળપણથી જ નફરતના બીજ રોપવામાં આવે છે જે આગળ જતા સાંપ્રદાયિક સદ્ભાવને બગાડે છે. દિગ્વિજય સિંહનું આ નિવેદન સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. 

હકીકતે ભોપાલમાં 19 વિપક્ષી દળોએ ભાજપના નેતૃત્વવાળી રાજ્ય અને કેન્દ્ર સરકારની નીતિઓ વિરૂદ્ધ ધરણાંનું આયોજન કર્યું હતું. આ ધરણાંમાં પોતાના સંબોધન દરમિયાન દિગ્વિજય સિંહે ભાજપ અને આરએસએસ પર બરાબરના શાબ્દિક પ્રહારો કર્યા હતા. દિગ્વિજય સિંહે કહ્યું હતું કે, આ સાચો સમય છે જ્યારે ભાજપ અને આરએસએસની વિચારધારા સામે લડવા માટે તમામ દળોએ એક મંચ પર આવવું જોઈએ. 

દિગ્વિજય સિંહે કહ્યું કે, અમારી લડાઈ એ લોકો સામે છે જે બાળપણથી જ સરસ્વતી શિશુ મંદિરમાં બાળકોના દિલ અને દિમાગમાં અન્ય ધર્મ માટે નફરતના બીજ રોપે છે. નફરતના તે બીજ આગળ વધીને દેશમાં સાંપ્રદાયિક સદ્ભાવને બગાડે છે. સાંપ્રદાયિક કટુતા પેદા કરે છે, ધાર્મિક ઉન્માદ ફેલાવે છે અને દેશમાં દંગા-ફસાદ થાય છે. 

ભાજપનો પલટવાર

દિગ્વિજય સિંહના આ નિવેદન મુદ્દે ભાજપે પલટવાર કર્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ ટ્વીટ કરીને દિગ્વિજય સિંહને સવાલ કર્યો હતો કે, આતંકવાદી ઓસામાના નામ સાથે 'જી' લગાવવું, આતંકવાદી ઝાકિર નાઈકને 'શાંતિદૂત' ગણાવવો, બાટલા હાઉસ એન્કાઉન્ટરને ખોટું ગણાવીને ઈન્સ્પેક્ટર મોહન શર્માની શહાદતને અપમાનિત કરવી, સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માંગવા, આ બધું કોંગ્રેસની કઈ પાઠશાળામાં ભણાવવામાં આવે છે? દેશ જાણવા ઈચ્છે છે.

આ તરફ ભાજપના ધારાસભ્ય રામેશ્વર શર્માએ દિગ્વિજય સિંહને આડેહાથ લેતા કહ્યું કે, દિગ્વિજય સિંહે બોલવું છે તો એ મદરેસાઓ અંગે કહે જ્યાં આતંકવાદ પેદા કરવામાં આવે છે અને માનવતાને કચડવામાં આવે છે. ત્યાંથી અલગાવવાદ ફેલાય છે. જ્યારે શિશુ મંદિરમાં રાષ્ટ્રપ્રેમ, ધર્મ પ્રેમ, સ્નેહ, બંધુત્વ અને પ્રેમ છે. બધાને સાથે લઈને ચાલવાની ક્ષમતા છે તેવા શિશુ મંદિર વિશે દિગ્વિજય સિંહના વિચાર ખૂબ જ આપત્તિજનક છે.