×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દારૂ નહિ પણ પાણી સાથે ઈન્ડસ્ટ્રીયલ કેમિકલ મિક્સ થતાં લઠ્ઠાકાંડ થયો: DGP ભાટિયા


- અમદાવાદની આમોસથી સપ્લાઈ થયેલ 600 લિટર મિથાઈલ આલ્કોહોલે સર્જયો બોટાદનો લઠ્ઠાકાંડ

અમદાવાદ, તા. 26 જુલાઈ 2022, મંગળવાર

અમદાવાદ જિલ્લાના ધંધુકા અને બોટાદ જિલ્લાના બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડમાં મોતના આંકડાઓ વધી રહ્યા છે. હાલમાં લઠ્ઠાકાંડથી મૃત્યુઆંક 30 પર પહોંચ્યો છે. ત્યારે રાજ્યના મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું હતું કે આ ઘટનાક્રમમાં 22 લોકો બોટાદના હતા અને અમદાવાદ ગ્રામ્યના 6 લોકોના મોત નીપજ્યાં છે.

ભાટિયાએ કહ્યું કે આ પ્રકરણમાં 13 લોકો સામે ગુનો દાખલ થયો છે. આશંકિત લઠ્ઠાકાંડમાં મિથાઈલ આલ્કોહાલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પાણીની સમકક્ષ જ મિથાઈલ કેમિકલ ઉમેરવામાં આવ્યું હતુ. ભાવનગરના બોટાદની આસપાસના ગામોમાં થયેલ આ ગોજારી ઘટનાના તાર અમદાવાદ આવી પહોંચ્યા છે.

આ ઘટનાના મૂળમાં ઉતરતા પોલીસે શોધી કાઢ્યું છે કે અમદાવાદના અસલાલી ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારની આમોસ કેમિકલ ફેક્ટરીનો જયેશ મુખ્ય સૂત્રધાર છે. જયેશ AMOSમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવી રહ્યો હતો પરંતુ તેણે આ ઈન્ડસ્ટ્રીયલ કેમિકલ ચોરી કરીને બહાર વેચ્યું હતુ. 

જયેશ ઉર્ફે રાજુએ આ 600 લિટર ચોરી કરેલ મિથાઈલ આલ્કોહોલ સંજયને વેચ્યું હતુ. સંજયે આ કેમિકલ વેચવા માટે તેના પિતરાઈ ભાઈ પિન્ટુ ઉર્ફે ફાંટોનો સંપર્ક કર્યો હતો, જે મૂળ બોટાદનો રહેવાસી છે.

જયેશે 600માંથી 200 લિટર મિથાઈલ કેમિકલ સંજયને વેચ્યું હતુ અને વધુ 200 લિટર અન્ય એક વ્યકતિને વેચ્યું હતુ જ્યારે 200 લિટર હજી તેની પાસે જ હતુ. પોલીસે અત્યાર સુધી કુલ 460 લિટર કેમિકલ કબ્જે કર્યું હતુ.

ચોંકાવારી વિગત એ છે કે જયેશે માત્ર 40,000 રૂપિયાની લાલચે આ મિથાઈલ કેમિકલ ચોરી કરીને વેચ્યું હતુ. પોલિસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ 600 લિટર કેમિકલ જયેશે 40,000 રૂપિયામાં વેચ્યું હતુ.

ભાટિયાએ કહ્યું કે 460 લિટર કેમિકલ કબ્જે કર્યું છે અને 24 કલાકમાં મોટા ભાગના આરોપીને પકડવામાં આવ્યા આવ્યા છે. FIRમાં કુલ 13 આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ તમામ કોઈ રિઢા ગુનેગાર નથી.