×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'દારૂબંધી મુદ્દે સૌ મારા વિરૂદ્ધ, પીશો તો મરશો', બિહારના રાજકીય દળો પર ભડક્યાં નીતિશ


- નીતિશ કુમારે અકળાઈને કહ્યું કે, દારૂબંધી તમામ દળોની સર્વસંમતિથી લાગુ કરવામાં આવી છે પરંતુ કેટલાક લોકો હવે મારી વિરૂદ્ધ થઈ ગયા 

નવી દિલ્હી, તા. 15 નવેમ્બર, 2021, સોમવાર

બિહારમાં દારૂબંધી છતાં ઝેરી શરાબના કારણે થઈ રહેલા મૃત્યુને લઈ મુખ્યમંત્રી નીતિશ કુમાર સતત ઘેરાઈ રહ્યા છે. નીતિશ કુમાર સોમવારે રાજકીય દળો પર ભડકી ઉઠ્યા હતા અને દારૂબંધી મામલે કેટલાક લોકો તેમના વિરૂદ્ધ થઈ ગયા હોવાનું કહ્યું હતું. વધુમાં તેમણે રાજકીય દળોએ 'દારૂ પીશો તો મરશો' આ વાત પ્રચારિત કરવી જોઈએ તેમ કહ્યું હતું. 

ગત સપ્તાહે બિહારના ગોપાલગંજ ખાતે ઝેરી દારૂ પીવાના કારણે આશરે 40 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યાર બાદ નીતિશ કુમારને સતત ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. આ લઠ્ઠાકાંડ મામલે વિરોધીઓ ઉપરાંત તેમના સહયોગી ભાજપે પણ દારૂબંધીના કાયદા અંગે પુનર્વિચાર કરવાની માગણી કરી હતી. 

સતત રાજકીય પાર્ટીઓના નિશાન બની રહેલા નીતિશ કુમારે અકળાઈને કહ્યું કે, દારૂબંધી તમામ દળોની સર્વસંમતિથી લાગુ કરવામાં આવી છે પરંતુ કેટલાક લોકો હવે મારી વિરૂદ્ધ થઈ ગયા છે. નીતિશ કુમારના કહેવા પ્રમાણે લોકોએ દારૂ કેટલી ખરાબ વસ્તુ છે તે સમજવું જોઈએ. તેમના મતે દારૂબંધી અંગે ફરી વ્યાપક જાગૃતતા અભિયાન ચલાવવાની જરૂર છે.