×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દાઉદ પણ ‘મોદી વોશિંગ પાઉડર’માં ધોવાઈ BJPમાં જોડાઈ જશે, વિપક્ષો-ભાજપ વચ્ચે શબ્દયુદ્ધ

નવી દિલ્હી, તા.17 જુલાઈ-2023, સોમવાર

આજે બેંગલુરુમાં વિપક્ષી દળોની બીજી બેઠક શરૂ થવા જઈ રહી છે. અગાઉ પ્રથમ બેઠક પટણામાં યોજાઈ હતી. લોકસભા ચૂંટણી-2024માં કેન્દ્રની મોદી સરકારને પડકાર ફેંકવા વિપક્ષો એકજૂથ થવાના ભરપૂર પ્રયાસો કરી રહ્યા છે. આ બેઠકમાં કોંગ્રેસ, ટીએમસી સહિત 26 જેટલા વિપક્ષો સામેલ થવાની સંભાવના છે. આ બેઠક માટે વિવિધ પક્ષોના વડાઓ પણ બેંગલુરુ પહોંચી ગયા છે, ત્યારે આ બેઠક શરૂ થાય તે પહેલા વિપક્ષો અને ભાજવ વચ્ચે શબ્દ યુદ્ધ શરૂ થઈ ગયું છે. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, કોંગ્રેસ સાંસદ જયરામ રમેશ સહિતના નેતાઓએ ભાજપ પર આકરા પ્રહારો શરૂ કરી દીધા છે, તો ભાજપે પણ વિપક્ષોની બેઠકને લઈ તીખી પ્રતિક્રિયા આપી છે.

‘કાલે દાઉદ ઈબ્રાહીમ પણ ‘મોદી વોશિંગ પાઉડર’માં ધોવાઈ BJPમાં જોડાઈ જશે’

આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહે કોંગ્રેસ અને વિપક્ષની બેઠક પર કહ્યું કે, કોંગ્રેસે મોદી સરકારના ‘કાળા વટહુકમ’ વિરુદ્ધ જવાનો નિર્ણય કર્યો છે, જે એક આવકારદાયક પગલું છે. ભાજપે ઉત્તરપ્રદેશના એક પક્ષ સાથે ગઠબંધન કર્યું છે, તો મોદીજી પણ એકલા ક્યાં છે ? તેઓ પણ ગઠબંધન કરી રહ્યા છે.  દેશની જનતાએ જોવાનું છે કે, કયું ગઠબંધન તેમને નોકરી, મોંઘવારીમાંથી રાહત અપાવી શકે છે. મોદીજીએ જે નેતાઓ પર 70,000 કરોડના કૌભાંડનો આરોપ લગાવ્યો હતો, તેમને ‘Modi Washing Powder’માં ધોઈને પોતાની સરકારમાં સામેલ કરી લીધા... કાલે દાઉદ ઈબ્રાહીમ પણ મોદી વોશિંગ પાઉડરમાં ધોવાઈ ભાજપમાં સામેલ થઈ જશે...


મોદીજી, તમારી સાથે ઉભેલા 30 પક્ષોના નામ તો બતાવો : ખડગે

NDA ગઠબંધન પર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, મને આશ્ચર્ય થાય છે કે મોદીજીએ રાજ્યસભામાં કહ્યું હતું કે તમામ વિપક્ષો પર હું એકલો જ ભારે છું. જો તે એકલા બધા વિપક્ષો પર ભારે છે તો તે શા માટે 30 પક્ષો એકત્ર કરી રહ્યા છે. આ સાથે તે 30 પાર્ટીઓના નામ તો જણાવો... અમારી સાથે જે લોકો છે તેઓ હંમેશા અમારી સાથે રહ્યા છે. અમે સંસદમાં અને સંસદની બહાર પણ સાથે મળીને કામ કર્યું છે. અમે શું કરી રહ્યા છીએ તે જોઈને તેઓ ડરી ગયા છે.

કર્ણાટકના મુખ્યમંત્રીએ કેન્દ્ર પર કર્યા પ્રહાર

વિપક્ષની બેઠક પર કર્ણાટકના મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ જણાવ્યું કે, દેશની અર્થવ્યવસ્થા વિપક્ષી પાર્ટીઓએ નહીં, પરંતુ નરેન્દ્ર મોદીએ બગાડી છે. તમામ વિપક્ષી પાર્ટીઓ એક સાથે આવી રહી છે.

પટનાની બેઠક બાદ PMને ​​અચાનક NDAનો વિચાર આવ્યો : જયરામ રમેશ

કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે બેંગલુરુમાં યોજાનારી વિપક્ષની બેઠક પર કહ્યું કે, કેટલાક નેતાઓ આજે નથી આવી રહ્યા, તેઓ કાલે આવશે અને આ બેઠક કાલે સવારે થવાની છે. બેઠક સવારે 11 વાગ્યે શરૂ થશે અને સાંજે 4 વાગ્યે તમામ પક્ષોના નેતાઓ દેશને સંબોધન કરશે પરંતુ અમારી પટનાની બેઠક બાદ અચાનક વડાપ્રધાને એનડીએનો વિચાર આવ્યો... એનડીએમાં નવો પ્રાણ પૂરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

પૂરગ્રસ્ત દિલ્હીમાં રહેવાના બદલે કેજરીવાલ બેંગલુરુ જઈ રહ્યા છે : ભાજપ

બેંગલુરુમાં યોજાઈ રહેલી વિપક્ષોની બેઠક પર ભાજપે કેજરીવાલ પર કટાક્ષ કરતા કહ્યું કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પૂર પ્રભાવિત લોકોને રાહત આપવા માટે દિલ્હીમાં રહેવાને બદલે વિપક્ષની બેઠકમાં ભાગ લેવા બેંગલુરુ જઈ રહ્યા છે. ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે, તકવાદીઓનું આ પ્રકારનું ગઠબંધન ભારતના વર્તમાન અને ભવિષ્ય માટે સારું નથી. તકવાદીઓ અને સત્તા ભૂખ્યા નેતાઓની બેઠક છે.