×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ત્રીજી વખત પણ અમારી સરકાર બનશે, ભારત ટોચના ત્રણ અર્થતંત્રમાં સામેલ થઇ જશે : મોદી


- દિલ્હીના પ્રગતિ મેદાનમાં આઇઇસીસીનું ઉદ્ઘાટન કર્યુ

- અમારા પ્રથમ કાર્યકાળમાં ભારત ટોચના દસ અર્થતંત્રોમાં હતું, બીજા કાર્યકાળમાં ટોચના પાંચમાં અર્થતંત્રોમાં સામેલ : વડાપ્રધાન

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના પ્રગતિ મેદાનમાં નવા ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યુ હતું. તેમણે ઇન્ટરનેશનલ એક્ઝિબિશન કમ કન્વેન્શન સેન્ટર (આઇઇસીસી) પરિસરને દેશને સમર્પિત કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરનું નામ ભારત મંડપમ રાખવામાં આવ્યું છે.

આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ આંતરરાષ્ટ્રીય કન્વેન્શન સેન્ટર ભારત મંડપમમાં સ્મારક ટિકિટ અને સિક્કા જારી કર્યા હતાં. વડાપ્રધાન મોેદીએ જણાવ્યું હતું કે ભારત મંડપમને જોઇને દરેક ભારતીય આનંદિત છે અને ગર્વ અનુભવી રહ્યો છે. 

ભારત મંડપમ ભારતના સામાર્થ્ય અને નવી ઉર્જાનું આહવાન છે. ભારત મંડપમ ભારતની ભવ્યતા અને ઇચ્છા શક્તિનું પ્રતિબિંબ છે.

આ દરમિયાન વડાપ્રધાન મોદીે જણાવ્યું હતું કે મારા ત્રીજા કાર્યકાળમાં ભારત વિશ્વના ત્રણ મોટા અર્થતંત્રો પૈકીનું એક હશે, આ મોદીની ગેરંટી છે. આજે દેશનો વિકાસ મજબૂત થઇ ગયો છે કે હવે ભારતની વિકાસ યાત્રા રોકાવાની નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમારા પ્રથમ કાર્યકાળમાં ભારતીય અર્થતંત્રનું વિશ્વમાં દસમુ સ્થાન હતું. બીજા કાર્યકાળમાં ભારત પ્રથમ પાંચ અર્થતંત્રોમાં સામેલ થઇ ગયું છે. અને હવે ત્રીજા કાર્યકાળમાં ભારત પ્રથમ ત્રણ અર્થતંત્રોમાં સ્થાન મેળવી લેશે.

વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે એક કવિતા પણ સંભળાવી હતી. તેમણે કારગીલ વિજય દિવસના પ્રસંગે કારગીલ યુદ્ધના શહીદોને પણ યાદ કર્યા હતાં. આ પ્રસંગે મોદીએ વિપક્ષની ટીકા કરી હતી. આ નિર્માણને રોકવા માટે નકારાત્મક વિચારસરણી ધરાવતા લોકોએ અનેક પ્રયત્નો કર્યા હતાં અને કોર્ટમાં પણ ગયા હતાં. 

આઇસીસી કોમ્પ્લેક્સ વિશ્વના ટોચના ૧૦ પ્રદર્શન અને સંમેલન પરિસરો પૈકીનું એક છે. અહીં સપ્ટેમ્બરમાં જી-૨૦ દેશોના નેતાઓની બેઠક યોજાશે.