×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

‘…તો મંત્રી જ નહીં, PM અને CM સાથે પણ લડીશ’ BJP ધારાસભ્ય આવું કેમ બોલ્યા ?

Image Source by - Shaila Rani Rawat, Twitter

ઉત્તરાખંડ, તા.19 ડિસેમ્બર-2022, સોમવાર

ઉત્તરાખંડના કેદારનાથ વિધાનસભા બેઠક પરના ભાજપની ધારાસભ્યએ પોતાની જ સરકાર પર સવાલો ઉભા કર્યા છે. આ સાથે જ ધારાસભ્યએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, તેમના વિસ્તારની ઉપેક્ષા કરવામાં આવી તો તેઓ માત્ર મંત્રી જ નહીં, મુખ્યમંત્રી અને વડાપ્રધાન સાથે પણ લડી શકે છે. જોકે તેમણે એમ પણ કહ્યું કે, સતપાલ મહારાજ સારુ કામ કરી રહ્યા છે, પરંતુ હું મારા વિસ્તારની ઉપેક્ષા પર નહીં બોલું તો કોણ બોલશે.

મારા વિસ્તારમાં બેદરકાર અધિકારીઓને જવાબદારી સોંપાય છે : BJP ધારાસભ્ય

ઉલ્લેખનિય છે કે, કેદારનાથ વિધાનસભા બેઠક પર શૈલારાની રાવત ધારાસભ્ય છે. તેમણે પોતાની સરકારમાં જાહેર બાંધકામ વિભાગના મંત્રી સતપાલ મહારાજના વિભાગ પર સવાલો ઉભા કર્યા છે. શૈલારાની રાવતનું કહેવું છે કે, રૂદ્રપ્રયાગમાં સારા અધિકારીઓને મોકલાતા નથી. સજા તરીકે અહીં બેદરકારી દાખવનાર અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી રહી છે.

બેદરકાર અને કામચોર અધિકારીઓને કેદારનાથ મોકલાય છે : શૈલારાની

શૈલારાનીએ કહ્યું કે, બેદરકાર અને કામચોર અધિકારીઓને વિધાનસભા વિસ્તાર કેદારનાથમાં મોકલાય છે. PWD અને NH વિભાગોમાં જે અધિકારીઓ કામચોર, બેદરકાર અને કોઈ કામના ન હોય તેવા અધિકારીઓને સજા તરીકે પર્વતો પર મોકલાય છે.

જો મારા વિસ્તારની અવગણના કરાશે તો...

શૈલારાની રાવતનો ગુસ્સો એટલો આસમાને પહોંચી ગયો હતો કે, તેમણે મંત્રી, PM અને CM અંગે પણ બોલી નાખ્યું. તેમણે કહ્યું કે, પર્વતીય ક્ષેત્રોના લાયક અધિકારીઓને મેદાનમાં પોસ્ટિંગ અપાય છે. જો મારા વિસ્તારની અવગણના થશે તો કોઈપણ હોય, પીએમ હોય, સીએમ હોય કે મંત્રી સતપાલ મહારાજ હોય... તેઓ નારાજ થશે.

સતપાલ મહારાજે કહ્યું, સારા અધિકારીઓને મોકલીશું

ધારાસભ્ય શૈલરાણીના આરોપ પર સવાલ પૂછાતા મંત્રી સતપાલ મહારાજ સમગ્ર મામલે અસહજ બની ગયા હતા. તેમણે કહ્યું કે, તેઓ અહીં (કેદારનાથ વિધાનસભા ક્ષેત્ર)માં સારા અધિકારીઓને મોકલશે.