×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

… તો જમ્મુ કાશ્મીરમાં નહીં પડે CRPFની જરૂર, અમિત શાહનું મહત્વનું નિવેદન


-  અમને આનંદ થઈ રહ્યો છે કે, અમે ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના સપનાઓને પૂરા કરી શક્યાઃ શાહ

શ્રીનગર, તા. 20 માર્ચ 2022, રવિવાર

જમ્મુ કાશ્મીર મુદ્દે નવા નવા ડેવલપમેન્ટ થઈ રહ્યા છે. કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ રીલિઝ થયા બાદ ઘાટી અંગેની ચર્ચા વધુ તેજ થઈ ગઈ છે. આ બધા વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીર ખાતે સુરક્ષાબળોની તૈનાતીને લઈ એક મહત્વનું નિવેદન આપ્યું છે. 

ગૃહમંત્રીએ શનિવારે જમ્મુ ખાતે CRPFના 83મા સ્થાપના દિવસ નિમિત્તે એક કાર્યક્રમમાં હિસ્સો લીધો હતો. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, બની શકે કે આગામી વર્ષોમાં જમ્મુ કાશ્મીરમાં CRPFની જરૂર ન પડે. 

ગૃહમંત્રીએ જમ્મુ કાશ્મીરમાં CRPFના રોલની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, CRPFએ ઘાટીમાં આતંકવાદ સામે લડવામાં મહત્વની ભૂમિકા ભજવવા ઉપરાંત કાયદા-વ્યવસ્થાને મજબૂત કરવાનું કામ પણ કર્યું છે. CRPFએ જમ્મુ કાશ્મીર, ઉત્તર પૂર્વ અને નક્સલ પ્રભાવિત ક્ષેત્રોમાં ખૂબ સુંદર કામ કર્યું છે. મને વિશ્વાસ છે કે, આગામી અમુક વર્ષોમાં આ ત્રણેય ક્ષેત્રોમાં CRPFની જરૂર નહીં રહે. તેનો સંપૂર્ણ શ્રેય CRPFને જ જશે. 

CRPFની પ્રશંસા કરતા શાહે જણાવ્યું કે, પાછલા કેટલાક વર્ષોમાં જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થાને લઈ મોટો સુધારો જોવા મળી રહ્યો છે. CRPF જવાનોને સંબોધિત કરતી વખતે તેમણે આર્ટિકલ 370 અને 35A નાબૂદી અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, તેનો ફાયદો જમ્મુ કાશ્મીરના સામાન્ય લોકોને થયો છે. ઉલ્લેખનીય છે કે, પહેલી વખત રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી બહાર જમ્મુ કાશ્મીરમાં CRPF સ્થાપના દિવસ સમારંભનું આયોજન કરવામાં આવ્યું. 

નિષ્પક્ષ ચૂંટણીમાં CRPFની મહત્વની ભૂમિકા

CRPFના જવાનોને સંબોધિત કરતી વખતે અમિત શાહે કહ્યું કે, હું CRPFના જવાનો અને તેમના પરિવારજનોને શુભેચ્છાઓ પાઠવું છું. હું CRPFના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પું છું. ઐતિહાસિક શહેર જમ્મુમાં CRPF સ્થાપના દિવસ સમારંભનું આયોજન થઈ રહ્યું છે. હું સૌથી પહેલા માતા વૈષ્ણોદેવીને પ્રણામ કરવા માગુ છું. જમ્મુ એ જગ્યા છે જ્યાં પં. પ્રેમનાથ ડોગરા અને ડો. શ્યામા પ્રસાદ મુખર્જીએ એક રાષ્ટ્ર, એક ધ્વજ, એક બંધારણ માટે આંદોલન શરૂ કર્યું. અમને આનંદ થઈ રહ્યો છે કે, અમે ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના સપનાઓને પૂરા કરી શક્યા. 

આતંક સામે લડાઈમાં CRPFની ભૂમિકા

અમિત શાહે કહ્યું કે, CRPFએ કાયદા-વ્યવસ્થા જાળવી રાખવામાં અને આતંકવાદ વિરૂદ્ધની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવી છે. નક્સલ પ્રભાવિત ક્ષેત્રો હોય કે પછી કાશ્મીરમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓ સામેની લડત કે પછી પૂર્વોત્તર, CRPFએ દેશની રક્ષા માટે કોઈ કસર નથી છોડી.