×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તેલંગણાના CMની પુત્રી કવિતા દિલ્હી પહોંચી, કાલે ED સમક્ષ હાજર થવા અંગેનું સસ્પેન્સ યથાવત્

નવી દિલ્હી, તા.08 માર્ચ-2023, બુધવાર

દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલાથી જોડાયેલ કૌભાંડમાં તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવની પુત્રી કે.કવિતા આવતીકાલે ED સમક્ષ ઉપસ્થિત રહેવા કે નહીં ? તે અંગેનું સસ્પેન્સ યથાવત્ છે. દરમિયાન કવિતાએ ED સમક્ષ હાજર થવા થોડો સમય માંગ્યો હતો, જોકે કવિતા બુધવારે સાંજે નવી દિલ્હી આવી પહોંચી છે. આ દરમિયાન જ્યારે કવિતાને પુછાયું કે તેઓ કાલે ED ઓફિસ જશે કે નહીં, ત્યારે તેમણે કોઈપણ જવાબ આપવાનો ટાળ્યો હતો. કવિતાએ હાજર થવા માટે જે સમય માગ્યો હતો તે અંગેની વિનંતી હજુ સુધી EDએ સ્વીકારી નથી. દિલ્હી એક્સાઈઝ પોલિસીમાં કથિત અનિયમિતતાથી જોડાયેલ મની લોન્ડરિંગ મામલામાં પૂછપરછ માટે EDએ 44 વર્ષીય ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના નેતા કવિતાને નવમી માર્ચે હાજર થવા જણાવ્યું છે.

ED સમક્ષ હાજર થવા કાયદાકીય સલાહ લેશે : કવિતા

અગાઉ તેલંગણાના મુખ્યમંત્રીની પુત્રી કવિતાએ જણાવ્યું હતું કે, તે તપાસ એજન્સીને સંપૂર્ણ સહયોગ આપશે. કવિતાએ એમ પણ જણાવ્યું કે, તેઓ ED સમક્ષ હાજર થવા અંગે કાયદાકીય સલાહ લેશે, કારણ કે તે 10 માર્ચે મહિલા આરક્ષણ બિલના સમર્થનમાં દિલ્હીમાં વિરોધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. તેમણે કહ્યું કે, કવિતાને હૈદરાબાદના બિઝનેસમેન રામચંદ્ર પિલ્લઈની સામે બેસાડી પૂછતાછ માટે બોલાવાઈ છે. પિલ્લઈની સોમવારે ED દ્વારા ધરપકડ થઈ હતી. પિલ્લઈ EDની કસ્ટડીમાં છે. EDએ કહ્યું હતું કે, પિલ્લાઈએ જણાવ્યું કે, તે કવિતા અને અન્યો સાથે સંકળાયેલા શરાબ રેકેટમાં ‘દક્ષિણી ગ્રૂપ’નું પ્રતિનિધિત્વ કરે છે.

જો કવિતા ED સમક્ષ હાજર નહીં રહે તો...

ઈડી પાસે પિલ્લઈની કસ્ટડી 12મી માર્ચ (તેમને 13 માર્ચે ફરી દિલ્હી કોર્ટમાં રજૂ કરાશે) સુધી છે. જો કવિતા ગુરુવારના રોજ પૂછપરછ માટે નહીં આવે તો ઈડી પિલ્લઈને કસ્ટડીમાં રાખશે અને કવિતાને પૂછપરછ માટે બોલાવવા નવી તારીખ આપી શકે છે. એજન્સીના જણાવ્યા અનુસાર ‘દક્ષિણ ગ્રૂપ’માં શરત રેડ્ડી (અરવિંદો ફાર્માના પ્રમોટર), મગુંતા શ્રીનિવાસલુ રેડ્ડી (YRS કોંગ્રેસના સાંસદ અને ઓંગોલના લોકસભા સભ્ય), કવિતા અને અન્ય લોકોનો સમાવેશ થાય છે. અગાઉ CBIએ આ કેસમાં BRS નેતાની પણ પૂછપરછ કરી હતી.