×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તેજ પ્રતાપ યાદવ અને RJD વચ્ચેના અંતરમાં વધારો, બિહાર પેટાચૂંટણીમાં કોંગ્રેસ માટે કરી શકે છે પ્રચાર


- આરજેડીના વરિષ્ઠ નેતા અને ઉપાધ્યક્ષ શિવાનંદ તિવારીએ એવો દાવો કર્યો હતો કે, તેજ પ્રતાપ આરજેડીનો હિસ્સો નથી અને તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવેલા છે

નવી દિલ્હી, તા. 08 ઓક્ટોબર, 2021, શુક્રવાર

બિહારમાં યોજાનારી પેટાચૂંટણીને લઈ આરજેડી અને કોંગ્રેસનું ગઠબંધન પહેલેથી જ તૂટી ચુક્યું છે અને હવે બંને પક્ષ વચ્ચે ઘર્ષણની સ્થિતિ બનેલી છે. આ બધા વચ્ચે આરજેડી નેતા તેજ પ્રતાપ યાદવ કુશેશ્વરસ્થાનના કોંગ્રેસી ઉમેદવાર અતિરેક કુમારના સમર્થનમાં પ્રચાર કરે તેવી શક્યતા છે. 

કુશેશ્વરસ્થાનના કોંગ્રેસી ઉમેદવાર અતિરેક કુમારના પિતા અને બિહાર કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ડો. અશોક કુમારે ગુરૂવારે તેજ પ્રતાપની મુલાકાત લીધી હતી અને આ મહત્વપૂર્ણ મુલાકાત બાદ એવું માનવામાં આવે છે કે, તેજ પ્રતાપ અતિરેક કુમારના પક્ષમાં પ્રચાર કરી શકે છે. 

કુશેશ્વરસ્થાન અને તારાપુર બેઠક પર આરજેડીએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા તેના જવાબમાં કોંગ્રેસે પણ બંને બેઠકો પર આરજેડી સામે ઉમેદવારો ઉભા કરી દીધા છે. એવું માનવામાં આવે છે કે, જો તેજ પ્રતાપ કુશેશ્વરસ્થાન બેઠક પર અતિરેક કુમારના પક્ષમાં પ્રચાર કરશે તો આગામી દિવસોમાં આરજેડી અને કોંગ્રેસના સંબંધો વધુ ખરાબ થઈ શકે છે. દિલચસ્પ વાત એ છે કે, ડો. અશોક રામે ગુરૂવારે તેજ પ્રતાપની મુલાકાત લીધી તેના એક દિવસ પહેલા જ આરજેડીના વરિષ્ઠ નેતા અને ઉપાધ્યક્ષ શિવાનંદ તિવારીએ એવો દાવો કર્યો હતો કે, તેજ પ્રતાપ આરજેડીનો હિસ્સો નથી અને તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવેલા છે. 

એક અહેવાલ પ્રમાણે ડો. અશોક રામની તેજ પ્રતાપ સાથેની મુલાકાત બાદ આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના બંને દીકરાઓ તેજ પ્રતાપ અને તેજસ્વી વચ્ચેના અંતરમાં પણ વધારો થઈ શકે છે. હાલ તેજ પ્રતાપ અને તેજસ્વી વચ્ચે સત્તા સંઘર્ષની સ્થિતિ સર્જાયેલી છે. તેજ પ્રતાપે ઈશારામાં જ તેજસ્વી પર નિશાન સાધીને કેટલાક લોકોએ લાલુ પ્રસાદને દિલ્હીમાં બંધક બનાવી રાખ્યા છે જેથી તેઓ આરજેડીના રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે તેમ કહ્યું હતું.