×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તેજ પ્રતાપ યાદવે શરૂ કર્યો અગરબત્તીનો કારોબાર, જાતે જ બતાવી ખાસીયતો


- તેજ પ્રતાપે કરેલા દાવા પ્રમાણે તેમની એક અગરબત્તી સળગાવવા પર રૂમમાં 10 દિવસ સુધી તેની સુવાસ રહે છે

નવી દિલ્હી, તા. 09 જુલાઈ, 2021, શુક્રવાર

લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવીના મોટા દીકરા તેજ પ્રતાપ યાદવ પોતાના અનોખા અંદાજને લઈ પ્રખ્યાત છે. તેજ પ્રતાપ આ વખતે ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. તેજ પ્રતાપે અગરબત્તીનો કારોબાર શરૂ કર્યો છે જેને લઈ તે ચર્ચામાં આવ્યા છે. તેમણે પોતાનો વેપાર L-R એટલે કે લાલુ-રાબડી રાધાકૃષ્ણ નામથી શરૂ કર્યો છે. તેમાં LRનો અર્થ લાર્જેસ્ટ રીચ છે. 

આ અગરબત્તીની ખાસ વાત એ છે કે, તેમાં કોઈ પણ જાતના કેમિકલનો ઉપયોગ નથી થયો. પરંતુ તેને મંદિરમાં ચઢાવવામાં આવતા ફૂલમાંથી બનાવવામાં આવી છે. તેજ પ્રતાપના કહેવા પ્રમાણે આવી અગરબત્તી તેમણે મથુરા-વૃન્દાવન ખાતેથી ખરીદી હતી. ત્યાર બાદ દિલ્હીના એક મિત્રની અગરબત્તી ફેક્ટરીમાં તેને બનતા જોઈ તેનાથી પ્રભાવિત થઈને પટનામાં આયુર્વેદિક અગરબત્તી બનાવવાનું વિચાર્યું. ઉત્પાદન માટે તેમણે પોતાના પિતાના નામવાળા 'લાલુજીના ખટાલ' ખાતે ફેક્ટરી સ્થાપી છે. 

10 દિવસ સુધી રહે છે સુગંધ

તેજ પ્રતાપે કરેલા દાવા પ્રમાણે તેમની એક અગરબત્તી સળગાવવા પર રૂમમાં 10 દિવસ સુધી તેની સુવાસ રહે છે. લાલુ યાદવ જ્યારે રાંચીની જેલમાં બંધ હતા ત્યારે તેજ પ્રતાપે આ અગરબત્તી પોતાના પિતાને આપી હતી. તેમના કહેવા પ્રમાણે આનાથી લોકોને રોજગારી પણ મળશે. જોકે આ અગરબત્તી થોડી મોંઘી છે પરંતુ તેમના કહેવા પ્રમાણે તેઓ ટૂંક સમયમાં જ સસ્તી અગરબત્તીનું નિર્માણ પણ શરૂ કરશે જેથી સામાન્ય ગરીબ લોકો સુધી આ અગરબત્તી પહોંચાડી શકાય.

ખરીદી કરનારાઓના કહેવા પ્રમાણે આવી અગરબત્તી ખરીદવા માટે દિલ્હી, મથુરા, વૃન્દાવન જવું પડતું હતું. આવી જગ્યાએથી લાવવી ખૂબ મોંઘી પડતી હતી પરંતુ હવે અહીં જ મળતી હોવાથી મોંઘી નહીં પડે. તેને બનાવનારા લોકોના કહેવા પ્રમાણે મંદિરમાં ચઢાવવામાં આવનારા ફૂલને લોકો ફેંકી દેતા હતા. અમે તે ફૂલ લાવીને, સુકવી અને પીસીને તેમાંથી અગરબત્તી બનાવવાનું કામ કરીએ છીએ. મંદિરમાં ગલગોટો, ગુલાબ, જાસુદ જેવા અલગ અલગ ફૂલો ચઢાવવામાં આવે છે જેનાથી અલગ અલગ ફ્લેવર અને સુગંધની અગરબત્તી બનાવવામાં આવે છે. કારોબાર શરૂ કરતા પહેલા વૃન્દાવન ખાતેથી કારીગરો લાવીને સ્થાનિક યુવાનોને અગરબત્તી બનાવવાની ટ્રેઈનિંગ આપવામાં આવી હતી. 

આવી રીતે બને છે અગરબત્તી

આગરબત્તી બનાવતા આશુતોષના કહેવા પ્રમાણે પહેલા ફૂલ લાવીને તેને સુકવવામાં આવે છે. તેમાં અનેક પ્રકારના હર્બલ ઉપરાંત છાણ, ઘી વગેરે ઉમેરીને પીસીને પાવડર બનાવવામાં આવે છે. છાણ પણ લાલુ ખટાલનું હોય છે. જોકે લોકડાઉનમાં મંદિરો બંધ રહ્યા માટે ફૂલોનું કલેક્શન ઘટ્યું છે પરંતુ તેમ છતાં પહેલાનો જે સ્ટોક છે તેમાંથી અગરબત્તી નિર્માણનું કામ ચાલી રહ્યું છે. 

L-R રાધા-કૃષ્ણ અગરબત્તી કંપનીના મેનેજરની વાત માનીએ તો બિહારમાં તો આ અગરબત્તીની માંગ વધી છે. તે સિવાય ઈન્દોર, દિલ્હી વગેરે જગ્યાએથી ડિમાન્ડના ફોન આવી રહ્યા છે.