×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તાલિબાન માટે ખરાબ સમાચાર! બાઈડેનની જાહેરાત- અફઘાનિસ્તાનમાં આતંક વિરૂદ્ધ થશે હલ્લાબોલ


- અમેરિકા એરપોર્ટ પર કોઈ પણ પ્રકારના આતંકવાદી જોખમ પર પોતાની નજર રાખી રહ્યું છે પછી ભલે તે જોખમ ત્યાંના ISISનું કેમ ન હોય

નવી દિલ્હી, તા. 21 ઓગષ્ટ, 2021, શનિવાર

અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાઓની વાપસી બાદ રાષ્ટ્રપતિ બાઈડને ફરી એક વખત આતંકવાદ વિરૂદ્ધ જંગને લઈને પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. તેમના કહેવા પ્રમાણે અમેરિકા અફઘાનિસ્તાનમાં આતંકવાદવિરોધી મિશન પર પોતાનું ફોકસ કેન્દ્રિત રાખશે. તેમણે જણાવ્યું કે, જો તાલિબાન અમેરિકી સૈનિકો પર હુમલો કરવાની હિંમત કરશે તો તેનો તીવ્ર અને આકરો જવાબ મળશે. 

રાષ્ટ્રપતિ બાઈડને કહ્યું કે, 'હું હંમેશા કહેતો આવ્યો છું કે અમે અમારા આતંકવાદ વિરોધી મિશન પર એક લેજર ફોકસ બનાવી રાખવા જઈ રહ્યા છીએ, અમારા સહયોગિઓ, સાથીદારો અને એ બધી શક્તિઓ સાથે ઘનિષ્ઠ સમન્વયમાં કામ કરી રહ્યા છીએ જે આ ક્ષેત્રમાં સ્થિરતા સુનિશ્ચિત કરવામાં રૂચિ ધરાવતા હોય.'

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને અફઘાનિસ્તાનમાં ફસાયેલા અમેરિકી નાગરિકોને તેમના ઘર સુધી પહોંચાડવાનું વચન આપ્યું છે. તેમણે અફઘાનિસ્તાનમાં ફસાયેલા અમેરિકીઓને કહ્યું હતું કે, 'અમે તમને ઘરે પહોંચાડીશું.' આ સાથે જ તેમણે તાલિબાનને ચેતવણી આપતા કહ્યું હતું કે, અમે અમેરિકી સૈનિકો પર તાલિબાની હુમલો સહન નહીં કરીએ. 

બાઈડને કહ્યું કે, અમેરિકા અફઘાનિસ્તાનમાં આતંકવાદ વિરોધી મિશન ચાલુ રાખશે. બાઈડને શુક્રવારે વ્હાઈટ હાઉસ ખાતે યોજાયેલા એક સંમેલનમાં આ નિવેદન આપ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે, અમે તાલિબાનને સ્પષ્ટ કરી દીધું છે કે, કાબુલ એરપોર્ટ પર કોઈ પણ અમેરિકી સૈનિક પર હુમલો થશે કે અમેરિકાના ઓપરેશનમાં અડચણ ઉભી કરવામાં આવશે તો ખૂબ જ તીવ્ર અને આકરો જવાબ આપવામાં આવશે. 

તેમણે જણાવ્યું કે, તેઓ એરપોર્ટ પર કોઈ પણ પ્રકારના આતંકવાદી જોખમ પર પોતાની નજર રાખી રહ્યા છે. પછી ભલે તે જોખમ ત્યાંના ISISનું કેમ ન હોય. ઉલ્લેખનીય છે કે, અમેરિકા કાબુલ વિમાની મથક ખાતેથી અમેરિકનો અને અન્ય લોકોને તાલિબાનથી બચાવવા માટે મોટા પાયે અભિયાન ચલાવી રહ્યું છે.