×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તાલિબાન અને RSSની તુલનાવાળા જાવેદ અખ્તરના નિવેદન મુદ્દે હોબાળો, BJP નેતાએ કહ્યું- માફી માંગે નહીં તો…


- જો આરએસએસ તાલિબાન જેવું હોત તો જાવેદ અખ્તરને આ પ્રકારના નિવેદન આપવાની મંજૂરી જ ન મળતી

નવી દિલ્હી, તા. 05 સપ્ટેમ્બર, 2021, રવિવાર

આરએસએસ અને તાલિબાનની તુલના કરવાને લઈ ગીતકાર અને ફિલ્મ લેખક જાવેદ અખ્તર પર ભાજપે નિશાન સાધ્યું છે. ભાજપના નેતા રામ કદમે આ પ્રકારના નિવેદનને લઈ જાવેદ અખ્તરની માફીની માગણી કરી છે અને કહ્યું છે કે, જ્યાં સુધી તેઓ માફી નહીં માગે ત્યાં સુધી દેશમાં તેમની ફિલ્મો ચાલવા નહીં દેવામાં આવે. 

તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન જાવેદ અખ્તરે કહ્યું હતું કે, તાલિબાન બર્બર છે, તેની હરકતો નિંદનીય છે પરંતુ આરએસએસ, વિહિપ અને બજરંગ દળનું સમર્થન કરનારા બધા એક જેવા છે. જાવેદ અખ્તરનું આ નિવેદન ભાજપના નેતાને પસંદ ન આવ્યું અને તેમણે જણાવ્યું કે, જો આરએસએસ તાલિબાન જેવું હોત તો જાવેદ અખ્તરને આ પ્રકારના નિવેદન આપવાની મંજૂરી જ ન મળતી. 

મહારાષ્ટ્ર ભાજપના ધારાસભ્ય અને પ્રવક્તા રામ કદમે જાવેદ અખ્તર પર નિશાન સાધીને કહ્યું કે, 'આરએસએસ સાથે સંકળાયેલા રાજનેતાઓ સરકારમાં મામલાઓના શીર્ષ પર છે. આ નેતા રાજ ધર્મનું પાલન કરીને દેશ ચલાવી રહ્યા છે, જો તેઓ તાલિબાનની જેમ હોતા તો શું અખ્તરને આવું નિવેદન આપવાની મંજૂરી મળતી? આ એક સાદૃશ્ય સાબિત કરે છે કે, તેમનું નિવેદન ખોટું છે. પરંતુ આ રીતની ટિપ્પણી કરીને તેમણે દેશમાં ગરીબ લોકો માટે કામ કરતા આરએસએસ કાર્યકરોની ભાવનાને ઠેસ પહોંચાડી છે. જો તેઓ (જાવેદ અખ્તર) તેમની માફી નહીં માંગે તો અમે આ દેશમાં તેમની ફિલ્મોને ચાલવા નહીં દઈએ.'

બીજેપી યુથ વિંગની વિરોધ માર્ચ

ભાજપની યુથ વિંગે શનિવારે જાવેદ અખ્તરના જુહૂ સ્થિત આવાસ સુધી વિરોધ માર્ચ યોજી હતી અને તેમના નિવેદનને લઈ માફીની માગણી કરી હતી. યુથ વિંગના એક પ્રદર્શનકારીએ જણાવ્યું કે, 'અમને લાગે છે કે, અખ્તર માનસિક રૂપથી સ્થિર નથી. આ દેશે તેમને બધું જ આપ્યું છે. આરએસએસ જમીની સ્તરે લોકોની મદદ કરે છે અને તેમણે તેમની તુલના તાલિબાન સાથે કરી છે. આ અસ્વીકાર્ય છે. જો તેઓ માફી નહીં માગે તો તેમના વિરૂદ્ધનું અમારૂં આંદોલન વધું તેજ બનશે.'

જાવેદ અખ્તરે કથિત રીતે એમ પણ કહ્યું હતું કે, ભારત એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે, જનસંખ્યા પણ ઘણી હદ સુધી ધર્મનિરપેક્ષ છે પરંતુ અમુક એવા લોકો પણ છે જે આરએસએસ અને વીએચપી જેવા સંગઠનોનું સમર્થન કરે છે અને નાઝીઓ જેવી વિચારધારા રાખે છે.