×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તાલિબાને કહ્યું- અફઘાનિસ્તાનમાં હિંદુ અને શીખ એકદમ સુરક્ષિત


- થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે, તાલિબાનના ડરના કારણે 200 લોકોએ એક ગુરૂદ્વારામાં શરણ લીધેલું તેમાં મોટા ભાગના હિંદુ અને શીખ સમુદાયના લોકો હતા

નવી દિલ્હી, તા. 20 ઓગષ્ટ, 2021, શુક્રવાર

અફઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાન ફરી પાવરમાં આવ્યું છે ત્યારથી અલ્પસંખ્યકો પોતાની સુરક્ષાને લઈ ખૂબ જ ચિંતિત છે. હિંદુ, શીખ સહિત સૌ કોઈ હાલ ડરેલા છે અને તાલિબાન રાજથી દૂર ભાગવા પ્રયત્ન કરી રહ્યા છે. ભારતે પણ અફઘાનિસ્તાનમાં રહેતા હિંદુ અને શીખ સમુદાયના લોકોને શરણ આપવાની વાત કરી છે. જોકે આ બધા વચ્ચે તાલિબાનનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. 

તાલિબાને ભાર આપીને કહ્યું છે કે, અફઘાનિસ્તાનમાં હિંદુ અને શીખ એકદમ સુરક્ષિત છે. કાબુલ ગુરૂદ્વારા કમિટીને મળ્યા બાદ તાલિબાને આ નિવેદન આપ્યું હતું. તાલિબાન દ્વારા એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે, અફઘાનિસ્તાનમાં હિંદુઓ અને શીખ લોકોને હેરાન નહીં કરવામાં આવે અને તેમને સંપૂર્ણ સુરક્ષા મળશે. તાલિબાનની કાબુલ ગુરૂદ્વારા કમિટી સાથેની બેઠકનો એક ફોટો પણ સામે આવ્યો છે જેમાં અનેક તાલિબાની નેતાઓ બેઠેલા જોવા મળે છે. 

થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે, તાલિબાનના ડરના કારણે 200 લોકોએ એક ગુરૂદ્વારામાં શરણ લીધેલું છે. તેમાં મોટા ભાગના હિંદુ અને શીખ સમુદાયના લોકો હતા. અનેક તો એવા હતા જે હવે સીધું અમેરિકા કે કેનેડા જવા માંગતા હતા કારણ કે, તેમને તાલિબાન પર કોઈ ભરોસો નથી. 

પરંતુ હવે તે ભરોસો જીતવા માટે જ તાલિબાને કાબુલ ગુરૂદ્વારા કમિટી સાથે બેઠક કરી હતી. તેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે, કોઈએ ડરવાની જરૂર નથી અને બધાને સુરક્ષા આપવામાં આવશે. જોકે વર્તમાન પરિસ્થિતિ જોતા કોઈ પણ તાલિબાનના આશ્વાસન પર વિશ્વાસ નથી કરી રહ્યું. હાલ તાલિબાનની કથની અને કરણીમાં ઘણું અંતર છે. આમ પણ અફઘાનિસ્તાનમાં શરિયા કાયદો લાગુ કરવાની વાત કરી ચુકેલું તાલિબાન હવે અલ્પસંખ્યકોને કેટલી આઝાદી આપશે તે એક સવાલ છે.