×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તાલિબાની સંકટઃ અશરફ ગનીને તાજીકિસ્તાને ન આપ્યો આશરો, અમેરિકાની મદદ માંગવાની તૈયારી


- આજે 2-3 ફ્લાઈટમાં વીઝા અધિકારી, એરપોર્ટ કર્મચારી પણ દેશ છોડીને ભાગી ગયા. એવી સ્થિતિ છે કે, એરપોર્ટ પર વીઝા ચેક કરવા માટે પણ કોઈ નથી બચ્યું.

નવી દિલ્હી, તા. 16 ઓગષ્ટ, 2021, સોમવાર

અફઘાનિસ્તાન છોડીને ભાગેલા રાષ્ટ્રપતિ અશરફ ગનીને એ સમયે ભારે મોટો ઝાટકો લાગ્યો જ્યારે તાજીકિસ્તાને તેમના વિમાનને પોતાની જમીન પર લેન્ડ કરવાની મંજૂરી ન આપી. મજબૂરીવશ તેમણે ઓમાન ખાતે રોકાવું પડ્યું હતું. જાણવા મળ્યા મુજબ હવે તેઓ ઓમાનથી અમેરિકા જવા માટે પણ રવાના થઈ શકે છે. અશરફ ગની ઉપરાંત અફઘાનિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોહિબ પણ ઓમાનમાં જ છે. બંનેના વિમાનને રવિવારે તાજીકિસ્તાનમાં લેન્ડ કરવાની મંજૂરી નહોતી અપાઈ. 

દેશ છોડ્યા બાદ રાષ્ટ્રપતિ ગનીએ સોશિયલ મીડિયામાં એક નિવેદન પણ આપ્યું હતું. તેમાં તેમણે જણાવ્યું હતું કે, આજે મારા સામે એક આકરી પસંદગી હતી જેમાં મારે હથિયારો વડે સજ્જ તાલિબાનનો સામનો કરવાનો હતો જે મહેલમાં ઘૂસવા ઈચ્છતા હતા અથવા મારો વ્હાલો દેશ અફઘાનિસ્તાન છોડવાનો હતો. મેં છેલ્લા 20 વર્ષોમાં અફઘાનિસ્તાનની સુરક્ષા માટે મારૂં જીવન સમર્પિત કરી દીધું. જો હું તાલિબાન સામે લડવાનો વિકલ્પ પસંદ કરેત તો અનેક સામાન્ય નાગરિકોનો ભોગ લેવાત અને અમારી નજર સામે કાબુલ તબાહ થાત. તે 60 લાખની વસ્તીવાળા શહેરમાં ભયંકર માનવીય ત્રાસદી જોવા મળેત. 

અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ સ્થિતિ એ હદે ભયાનક બની છે કે, દેશ છોડવા માટે કાબુલ એરપોર્ટ પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ભીડને કાબુમાં લેવા માટે અમેરિકી સૈનિકોએ હવામાં ફાયરિંગ કરવું પડી રહ્યું છે. એક કર્મચારીના કહેવા પ્રમાણે રવિવારે દર 2 મિનિટે ફ્લાઈટ દ્વારા દિગ્ગજ લોકો અને અધિકારીઓ ભાગી ગયા. આજે 2-3 ફ્લાઈટમાં વીઝા અધિકારી, એરપોર્ટ કર્મચારી પણ દેશ છોડીને ભાગી ગયા. એવી સ્થિતિ છે કે, એરપોર્ટ પર વીઝા ચેક કરવા માટે પણ કોઈ નથી બચ્યું. કાબુલ છોડવા માટે લોકો મારામારી કરી રહ્યા છે અને લોકો સામાન લીધા વગર જ દેશ છોડીને ભાગી રહ્યા છે.