×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તાનાશાહી પર રોકઃ હવે ઉઈગર મુસ્લિમો પર નહીં ચાલે ચીનની મનમાની, અમેરિકાએ પાસ કર્યું બિલ


- અમેરિકાએ ચીનની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપની સેન્સટાઈમ ગ્રુપને પણ રોકાણના બ્લેક લિસ્ટમાં સામેલ કર્યું હતું

નવી દિલ્હી, તા. 15 ડિસેમ્બર, 2021, બુધવાર

ચીનમાં ઉઈગર મુસ્લિમો વિરૂદ્ધ થઈ રહેલા અત્યાચારને રોકવા માટે અમેરિકાએ મહત્વનું પગલું ભર્યું છે. હકીકતે યુએસ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવે ફોર્સ્ડ લેબર પ્રિવેન્શન એક્ટને મંજૂરી આપતું બિલ પાસ કરી દીધું છે. તેના અંતર્ગત ચીનના શિનજિયાંગ ખાતે બળજબરીપૂર્વક શ્રમ કરાવીને બનાવાયેલી વસ્તુઓને આર્થિક રીતે પ્રતિબંધિત કરી દેવામાં આવી છે, જેને અમેરિકાને વેચવામાં આવે છે. અમેરિકાના આ પગલાને કારણે ચીનને મોટા પાયે ઝાટકો લાગવાની આશા છે. શિનજિયાંગ ખાતે ઉઈગર મુસ્લિમો પાસે બળજબરીથી કામ કરાવાય છે અને જો તેઓ ઈનકાર કરે તો તેમને યાતનાઓ આપવામાં આવે છે. એટલે સુધી કે, તેમને લઘુત્તમ મજૂરી કરતા પણ ઓછી મજૂરી આપવામાં આવે છે. 

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાર્યાલય પણ ટૂંક જ સમયમાં ઉઈગર મુસ્લિમો પર થઈ રહેલા અત્યાચાર અંગેના પોતાના રિપોર્ટને અંતિમ સ્વરૂપ આપશે. જીનેવા સ્થિત માનવાધિકાર કાર્યાલયના પ્રવક્તા રૂપર્ટ કોલવિલે જણાવ્યું કે, શિનજિયાંગ ખાતેની પ્રસ્તાવિત યાત્રાને લઈ ચીની અધિકારીઓ સાથે લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચામાં કોઈ નક્કર પ્રગતિ નથી થઈ. 

ગત 10 ડિસેમ્બરના રોજ અમેરિકાએ ચીનની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપની સેન્સટાઈમ ગ્રુપને પણ રોકાણના બ્લેક લિસ્ટમાં સામેલ કર્યું હતું. સેન્સટાઈમ પર આરોપ છે કે, તેણે એવું સોફ્ટવેર બનાવ્યું છે જે ઉઈગર મુસ્લિમોને ઓળખી લેશે. જોકે કંપની દ્વારા આ આરોપો નિરાધાર હોવાનું કહેવામાં આવ્યું છે. 

કોણ છે ઉઈગર મુસલમાન?

ઉઈગર મુસ્લિમ અલ્પસંખ્યક તુર્ક જાતિય સમૂહ સાથે સંબંધ ધરાવે છે. તેઓ મૂળે મધ્ય અને પૂર્વ એશિયાના રહેવાસી છે અને તેમની ભાષા તુર્કી છે. ચીનમાં જે 55 અલ્પસંખ્યક સમૂદાયોને સત્તાવાર માન્યતા આપવામાં આવેલી છે તેમાં ઉઈગરોનો પણ સમાવેશ થાય છે. હાલ ચીનના શિનજિયાંગ ક્ષેત્રમાં ઉઈગર મુસ્લિમોની સૌથી મોટી વસ્તી રહે છે. 

પૂર્વ ચીની અધિકારી જિયાંગે ચીનમાં ઉઈગર મુસ્લિમોની સ્થિતિને લઈ અનેક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા હતા. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે ચીનના ડિટેન્શન સેન્ટરમાં તેમને ખુરશી અને દોરડા વડે બાંધીને રાખવામાં આવે છે તેવી માહિતી આપી હતી. જો તેઓ ચીની અધિકારીઓની શરત ન માને તો પોલીસ કર્મચારીઓ તેમના પર કોરડાઓનો વરસાદ વરસાવે છે. એટલે સુધી કે તેમને ઉંઘવા પણ નથી દેતા. પુરૂષ ઉપરાંત મહિલાઓ સાથે પણ બર્બરતા આચરવામાં આવે છે.