×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તાનાશાહીઃ કિમ જોંગ ઉને 'કે-પૉપ'ને ગણાવ્યું કેન્સર, કહ્યું- સાંભળતા પકડાશો તો થશે 15 વર્ષની કેદ


- દક્ષિણ કોરિયા સાથે સંકળાયેલા મનોરંજનની સામગ્રીની પેન ડ્રાઈવ્સની તસ્કરીમાં સામેલ લોકોને પકડાવા પર મૃત્યુની સજા આપવાની જોગવાઈ 

નવી દિલ્હી, તા. 15 જૂન, 2021, મંગળવાર

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન હાલ બગાવતના ડરથી ખૂબ જ પરેશાન જણાઈ રહ્યા છે. પાડોશી દેશ દક્ષિણ કોરિયાના પોપ સંગીતે તેમની રાતોની ઉંઘ અને દિવસની શાંતિ છીનવી લીધી છે. આ કારણે પરેશાન તાનાશાહ કિમ જોંગ ઉને કે-પૉપના ચાહકોને ખુલ્લેઆમ ધમકી આપી છે. ઉત્તર કોરિયામાં જો કોઈ વ્યક્તિ તેને સાંભળતા પકડાશે અથવા જો દક્ષિણ કોરિયાના ડ્રામા જોશે તો તેને લેબર કેમ્પમાં 15 વર્ષની કેદની સજા ફટકારવામાં આવશે. 

કિમ જોંગ ઉને કે-પૉપના સંગીતને ખતરનાક કેન્સર સમાન ગણાવ્યું છે. તેમના કહેવા પ્રમાણે કે-પૉપ એક ખતરનાક કેન્સર છે જે ઉત્તરી કોરિયાના યુવાનોને બરબાદ કરી રહ્યું છે. તેમના હાવભાવ, રહેણી-કરણી, કપડા અને હેરસ્ટાઈલ બધું જ બદલાઈ રહ્યું છે. જો આમ જ ચાલશે તો ઉત્તરી કોરિયા એક ભીની દીવાલ માફક ધસી પડશે. 

કે-પૉપ સાંભળવા પર 15 વર્ષની કેદ

કિમ જોંગ ઉને પોતાના આદેશમાં કહ્યું છે કે, દક્ષિણ કોરિયાનું સંગીત, ટીવી સીરિયલ્સ અને ફિલ્મો આપણા દેશના યુવાનોનો પોશાક, હેરસ્ટાઈલ, ભાષા અને વ્યવહારને ભ્રષ્ટ કરી રહ્યું છે. ડિસેમ્બર મહિનામાં આ સંબંધીત એક કાયદો લાગુ કરવામાં આવ્યો હતો જે પ્રમાણે દક્ષિણ કોરિયાના કોઈ પણ મનોરંજનને જોવાથી લેબર કેમ્પમાં 15 વર્ષની કેદની સજા થઈ શકે છે. પહેલા આ મહત્તમ સજા માત્ર 5 વર્ષની જ હતી. એટલું જ નહીં, દક્ષિણ કોરિયા સાથે સંકળાયેલા મનોરંજનની સામગ્રીની પેન ડ્રાઈવ્સની તસ્કરીમાં સામેલ લોકોને પકડાવા પર મૃત્યુની સજા આપવાની જોગવાઈ છે. 

શું છે કે-પૉપ?

દક્ષિણ કોરિયાના કોરિયન પૉપને સામાન્ય બોલચાલની ભાષામાં કે-પૉપ કહેવામાં આવે છે. મુખ્ય રૂપે વેસ્ટર્ન મ્યુઝિક પર બેઝ્ડ કે-પૉપમાં હવે ઘણા બધા ડાન્સ મૂવ્સ અને મ્યુઝિક સ્ટાઈલ ભળ્યા છે. આ કારણે સમગ્ર વિશ્વમાં દક્ષિણ કોરિયાના આ પોપ મ્યુઝિકના ચાહકો વધી રહ્યા છે.