×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તાઈવાન પર ચીનના મિસાઈલ હુમલાથી તંગદિલી ચરમસીમાએ


બેઈજિંગ, તા.૪

અમેરિકન સંસદનાં અધ્યક્ષ નેન્સી પેલોસીના તાઈવાન પ્રવાસથી ભડકેલા ચીને નેન્સી પેલોસીના પાછા ફરતાં જ તાઈવાનની નાકાબંધી કરી દીધી અને ગુરુવારે ચાર દિવસની લાઈવ ફાયર ડ્રીલના ભાગરૂપે ૨૬ વર્ષ પછી પહેલી વખત તાઈવાનની સરહદમાં મિસાઈલથી હુમલો કર્યો હતો. બીજીબાજુ તાઈવાને પણ ચીનને જવાબ આપવા અમેરિકા પાસેથી ખરીદેલી પેટ્રિયટ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ એક્ટિવેટ કરી દીધી છે. આ સાથે ચીનના હુમલાના પગલે તાઈવાને તેની બધી જ ફ્લાઈટ્સ રદ કરી દીધી છે. પરિણામે બંને દેશો વચ્ચે તંગદિલી ચરમસીમાએ પહોંચી ગઈ છે. વધુમાં અમેરિકાએ પણ સમગ્ર સ્થિતિ પર નજર રાખતા ફિલિપાઈન્સના સમુદ્રમાં સ્થિત તેનું યુદ્ધ જહાજ યુએસએસ રોનાલ્ડ રેગન તાઈવાનની સહાય માટે મોકલ્યું છે.

અમેરિકન સંસદનાં અધ્યક્ષ નેન્સી પેલોસીની તાઈવાનમાંથી વિદાય સાથે જ ચીને ગુરુવારે તાઈવાનની આજુબાજુના છ ઝોનમાં સૈન્ય અભ્યાસ શરૂ કરી દીધો છે. ચીને આ અભ્યાસની શરૂઆત તાઈવાન જલડમરુમધ્યના પૂર્વીય ભાગમાં પહેલાથી નિર્ધારિત ક્ષેત્રોમાં લાંબા અંતરના રોકેટ આર્ટીલરી અને પારંપરિક મિસાઈલો મારફત લાઈવ ફાયર ડ્રીલ કરી હતી. ચીને આ યુદ્ધાભ્યાસ માટે અનેક યુદ્ધજહાજ, ફાઈટર જેટ, મિસાઈલો તૈનાત કરી છે. ચીન તાઈવાનની સરહદથી માત્ર ૯ સમુદ્રી માઈલના અંતરે સૈન્ય અભ્યાસ કરી રહ્યું છે. 

ચીને બપોરે ૧૨.૦૦ વાગ્યાથી અભ્યાસ શરૂ કર્યા પછી પીએલએ ઈસ્ટર્ન થિયેટર કમાન્ડને જણાવ્યું કે, સૈન્યે સેનાના તાઈવાન જલડમરુમધ્યમાં લગભગ ૧.૦૦ વાગ્યે લાંબા અંતરના આર્ટિલરીથી લાઈવ ફાયર ડ્રિલ કરી હતી. તેમાંથી અનેક મિસાઈલે પૂર્ણ ચોક્સાઈ સાથે વિશિષ્ટ લક્ષ્યો પર હુમલો કર્યો હતો. ચીને હુમલાના અનેક વીડિયો ક્લિપ્સ પણ વાઈરલ કર્યા હતા. અનેક પોસ્ટમાં દાવો કરાયો છે કે ચીને તાઈવાનથી ૧૨૫ કિ.મી. દૂર પૂર્વીય ચીનના ફુજિયાન પ્રાંતના પિંગટનથી આ મિસાઈલો લોન્ચ કરી હતી. ચીની મીડિયાના દાવા મુજબ ચીની સૈન્યે ડીએફ-૨૧, ડીએફ-૨૬ અને હાઈપરસોનિક ડીએફ-૧૭ સહિત અનેક મિસાઈલો અને રોકેટ આર્ટિલરી સિસ્ટમમાંથી ફાયર કરી હતી.

ચીને તેના યુદ્ધાભ્યાસના ભાગરૂપે તાઈવાન તરફ ૧૧ મિસાઈલો છોડી હતી. તાઈવાનની સરકારે પણ તેની પુષ્ટી કરી હતી. જોકે, આમાંથી કેટલીક મિસાઈલો જાપાનમાં પડી હોવાના અહેવાલ છે. જાપાનના સંરક્ષણ મંત્રીએ કહ્યું કે ચીન તરફથી છોડવામાં આવેલી પાંચ મિસાઈલ જાપાનના વિસ્તારમાં પડી છે. આ એક ગંભીર બાબત છે, કારણ કે તે પ્રત્યક્ષ રીતે અમારા દેશની સુરક્ષા સાથે સંકળાયેલી બાબત છે. અમે અમારા લોકોની સુરક્ષા સાથે કોઈ સમજૂતી નહીં કરીએ.

ચીને નેન્સી પેલોસિની મુલાકાત બદલ તાઈવાને ભારે કિંમત ચૂકવવી પડશે તેવી ધમકી આપ્યા પછી આ ડ્રીલ શરૂ કરી છે. ચીન તાઈવાનને પોતાનો જ ભાગ ગણાવી રહ્યું છે જ્યારે તાઈવાન પોતાને સ્વતંત્ર દેશ ગણાવે છે. ચીન લાંબાસમયથી જરૂર પડે બળજબરીથી તાઈવાનને પોતાના નિયંત્રણ હેઠળ લાવવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે નેન્સી પેલોસીની મુલાકાતે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે.

બીજીબાજુ તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, અમારા દેશના ઉત્તર-પૂર્વ અને દક્ષિણ-પશ્ચિમમાં ગુરુવારે ચીની સૈન્યે અનેક બેલિસ્ટિક મિસાઈલો લોન્ચ કરી છે. તાઈવાનનું સૈન્ય સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. અને એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવેટ કરી દીધી છે. તાઈવાને કહ્યું કે અમે કોઈપણ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છીએ, પરંતુ અમે સંઘર્ષ ઈચ્છતા નથી. અમેરિકાએ પણ ચીનને ચેતવણી આપતા કહ્યું છે કે ચીન નેન્સી પેલોસીની મુલાકાતને સંકટમાં ના બદલે.

ચીનના મિસાઈલ લોન્ચિંગના જવાબમાં તાઈવાને પણ અમેરિકા પાસેથી ખરીદેલી પેટ્રિયટ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ એક્ટિવેટ કરી દીધી છે. પેટ્રિયટ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ અમેરિકા અને તેના સહયોગી દેશો ઓપરેટ કરે છે. આ એક કોમ્બેટ પ્રુવન હથિયાર છે. પેટ્રિયટ વ્યૂહાત્મક બેલિસ્ટિક મિસાઈલો, ક્રૂઝ મિસાઈલો અને એડવાન્સ એરક્રાફ્ટનો સામનો કરવા માટે લાંબા અંતરની, બધી ઉંચાઈ, દરેક મોસમમાં કામ કરતી હવાઈ ડિફેન્સ સિસ્ટમ છે. તેની ડિફેન્સ સિસ્ટમ એક્ટિવેટ કરવાની સાથે તાઈવાને તેની બધી જ એરલાઈન્સની ફ્લાઈટ્સ રદ કરી દીધી છે. જોકે, વૈશ્વિક ઉદ્યોગો માટે જરૂરી પ્રોસેસર ચીપ્સ અને અન્ય સામાનના જહાજ પર ચીનની લાઈવ ડ્રીલની કેટલી અસર થઈ છે તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી.

ચીને તાઈવાનને છ બાજુથી ઘેરીને શરૂ કરેલી લશ્કરી ડ્રિલ્સથી દૂર રહેવા વ્યાપારિક જહાજો અને પ્લેન્સને આદેશ આપ્યા છે. હોંગકોંગના એક અખબારે સાઉથ ચીન મોર્નિંગ પોસ્ટને ટાંકીને ચીની સૈન્યની આ ડ્રીલને તાઈવાનની અસરકારક નાકાબંધી સમાન ગણાવી હતી. ચીનની ડ્રીલના કારણે તાઈવાનથી ઉપડતી અને આવતી ૪૦ જેટલી ફ્લાઈટ્સ રદ કરાઈ છે. ૧૯૪૯માં ગૃહ યુદ્ધ પછી અલગ થઈ ગયેલા બંને પક્ષો વચ્ચે કોઈ સત્તાવાર સંબંધો નથી, પરંતુ વિશ્વના સૌથી વ્યસ્ત ટેક્નોલોજી અને મેન્યુફેક્ચરિંગ સંબંધો છે.