×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તવાંગ સરહદે ભારતીય એરફોર્સની કવાયતથી ચીનના પેટમાં તેલ રેડાયું


- એરફોર્સના ચિનૂક, મિરાજ, રાફેલ, સુખોઈ ફાઈટર જેટ ચીન સરહદે ઉતર્યા

- ચીનની અવળચંડાઈ યથાવત્ : હવે દોકલામ તરફ નજર દોડાવી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધાર્યું

નવી દિલ્હી : અરૂણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ચીની સૈનિકોએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યા પછી ગુરુવારે ભારતીય એરફોર્સના ફાઈટર વિમાનોએ કવાયત હાથ ધરી છે. એરફોર્સે ગુરુવાર અને શુક્રવારે બે દિવસનો મોટો યુદ્ધાભ્યાસ શરૂ કર્યો છે, જેમાં સુખોઈ અને ફાઈટર વિમાનો પણ જોડાયા છે. આ યુદ્ધાભ્યાસમાં ફાઈટર વિમાનો સહિત એટેક હેલિકોપ્ટર્સ અને કાર્ગો પ્લેન પણ સામેલ છે. આ યુદ્ધાભ્યાસ ભારતીય જવાનો કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે કેટલા તૈયાર છે શ્રતે પુરવાર કરે છે. બીજીબાજુ પૂર્વીય લદ્દાખ અને તવાંગ સેક્ટર પર નજર નાંખ્યા પછી ચીને હવે સિક્કિમ સેક્ટરનો ડોકલામ વિસ્તાર કબજે કરવા પ્રયત્નો શરૂ કર્યા છે. ચીનના સૈન્યે અરૂણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ૯મી ડિસેમ્બરે ભારતીય પોસ્ટ પર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો તેવા સમયમાં ભારતીય એરફોર્સ આ યુદ્ધાભ્યાસ કરી રહ્યું છે. એરફોર્સના આ યુદ્ધાભ્યાસમાં ઉત્તર-પૂર્વના ચાર એરફોર્સ બેઝ ભાગ લઈ રહ્યા છે, જેમાં તેજપુર, છાબુઆ, જોરહાટ અને હાશિમારાનો સમાવેશ થાય છે. આ એરફોર્સ સ્ટેશનના બધા જ વાયુવીરોને સક્રિય અને એલર્ટ પર રખાયા છે. એરફોર્સના આ યુદ્ધાભ્યાસમાં સુખોઈ-૩૦, રાફેલ, મિરાજ-૨૦૦૦, અપાચે અટેક હેલિકોપ્ટર, ચિનૂક હેવી ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટર, સી-૧૩૦જે સુપર હરક્યુલસ ટ્રાન્સપોર્ટ વિમાન જોડાયા છે.

એરફોર્સના પાયલટની સાથે બધા જ સંશાધનોનો આ યુદ્ધાભ્યાસમાં ઉપયોગ કરાશે. ફાઈટર જેટ્સની સાથે કાર્ગો ટ્રાન્સપોર્ટેશન, પરસ્પર કમ્યુનિકેશન, ઝડપી અને સમયબદ્ધ એક્શનની પણ તપાસ કરાશે. ચીની સૈન્ય સાથે સર્જાયેલા તણાવપૂર્ણ વાતાવરણના પહેલા દિવસે ભારતીય એરફોર્સે અરૂણાચલ પ્રદેશમાં નિયંત્રણ રેખા (એલએસી) નજીક સંપૂર્ણ પૂર્વોત્તર ક્ષેત્રને કવર કરતા પોતાની સૈન્ય ક્ષમતાઓની ચકાસણી શરૂ કરી છે.

એરફોર્સના એક અધિકારીએ જણાવ્યું કે, આ અભ્યાસનો આશય કોઈપણ પ્રકારના પડકારોનો સામનો કરવા માટે એરફોર્સની તૈયારીઓને પરખવાનો છે. રાફેલ અને સુખોઈ ઉપરાંત બધા જ ફ્રન્ટલાઈન ફાઈટર જેટ શુક્રવારે પણ યુદ્ધાભ્યાસ ચાલુ રાખશે. તવાંગમાં એલએસી પર ચીની સૈન્ય સાથે ઘર્ષણ પછી એરફોર્સે તેની સાવધાની પહેલાં કરતાં વધુ વધારી છે અને અરૂણાચલ પ્રદેશના વિસ્તારમાં હવાઈ પેટ્રોલિંગ પણ શરૂ કરી દીધું છે.

બીજીબાજુ પૂર્વીય લદ્દાખની ફ્રન્ટલાઈનની સાથે અરૂણાચલ પ્રદેશ અને સિક્કિમ ક્ષેત્રમાં એલએસી પર પણ સૈન્ય તેમજ એરફોર્સ તેમના ઓપરેશનની સક્રિયતા વધારી દીધી છે. ભારતીય સૈન્યની આ સાવચેતીના કારણે જ ચીની સૈનિકોના ઘૂસણખોરીના ઈરાદા નિષ્ફળ જઈ રહ્યા છે. એરફોર્સની આ વધેલી સક્રિયતા વચ્ચે ફ્રાન્સથી આવનારું અંતિમ રાફેલ પણ ગુરુવારે તેના બેડામાં સામેલ થઈ ગયું છે. એરફોર્સે ટ્વીટ કરીને ૩૬મા રાફેલના આગમનની માહિતી આપી હતી. રાફેલના ૧૮ વિમાનનો કાફલો અંબાલામાં છે. વધુમાં હાસીમારા સ્થિત પૂર્વીય કમાનમાં પણ રાફેલનો કાફલો છે. ફ્રાન્સથી આવેલું અંતિમ રાફેલ જેટ હાસીમારા સ્થિત કાફલામાં જોડાયું છે.

દરમિયાન અરૂણાચલ પ્રદેશના તવાંગમાં ભારતીય પોસ્ટ પર કબજો કરવામાં નિષ્ફળ ગયેલ ચીની સૈન્યે હવે ફરી એક વખત ગલવાન અને ડોકલામ તરફ નજર દોડાવી છે. આ વિસ્તારોમાં ચીની સૈનિકોની ઘૂસણખોરીના પુરાવા છે. ચીને માત્ર લદ્દાખ અને તવાંગ જ નહીં ડોકલામ પાસે પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની ગતિ વધારી દીધી છે. અહીં તે રસ્તા, પુલ બનાવી રહ્યું છે. ટૂંકમાં ચીન અહીં એ બધું જ કરી રહ્યું છે, જે તેને યુદ્ધની સ્થિતિમાં મદદરૂપ થઈ શકે છે.

વધુમાં ચીની સૈન્યે સિક્કિમના ડોકલામમાં જામફેરી રીજ સુધી પહોંચવા માટે ટોરસા નાળા પર પુલ બનાવી લીધો છે. જૂન ૨૦૧૭માં પણ ચીને ડોકલામમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ૭૨ કલાક સુધી ઘર્ષણ ચાલ્યું હતુ ંત્યારે પણ ચીને ટોરસા નાળુ પાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. ચીની સૈન્ય જામફેરી સુધી પહોંચી જાય તો ભારતના સિલિગુડી કોરીડોર પર જોખમ સર્જાશે. જામફેરી રીજથી સીધા જ સિલિગુડી કોરીડોર પર નજર રાખી શકાય છે.