×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તમે દાખલ કરેલા કેટલા કેસમાં આરોપીઓને સજા થઈ, સુપ્રીમ કોર્ટે CBI પાસે જાણકારી માંગી

નવી દિલ્હી,તા.4 સપ્ટેમ્બર 2021,શનિવાર

કેન્દ્રની તપાસ એજન્સી સીબીઆઈની કાર્યપધ્ધતિને લઈને સુપ્રીમ કોર્ટે ફરી નારાજગી વ્યક્ત કરી છે.

સુપ્રીમ કોર્ટે સીબીઆઈ દ્વારા ચલાવવામાં આવી રહેલા કેસોમાં થઈ રહેલા વિલંબનો હવાલો આપીને એજન્સીને જાણકારી આપવા કહ્યુ છે કે, કેટલા ટકા કેસમાં સીબીઆઈએ સફળતા મેળવી છે.

સીબીઆઈ દ્વારા એક કેસમાં પિટિશન દાખલ કરવામાં 542 દિવસનુ મોડુ કરવામાં આવ્યા બાદ સુપ્રીમ કોર્ટ સીબીઆઈની કામગીરી અને તેના પ્રદર્શનનુ મુલ્યાંકન કરવાનો નિર્ણય લીધો છે.

સુપ્રીમ કોર્ટે સીબીઆઈ ડાયરેક્ટરને કહ્યુ છે કે, કોર્ટ સમક્ષ એવા કેસ રજૂ કરે જેમાં સીબીઆઈ ટ્રાયલ કોર્ટ તેમજ હાઈકોર્ટમાં આરોપીઓને દોષી સાબિત કરવામાં સફળ થઈ હોય.

કોર્ટે એવો પણ સવાલ કર્યો છે કે, સીબીઆઈ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવાના સંદર્ભમાં એજન્સીને મજબૂત કરવા માટે કયા પ્રકારના પગલા ભર્યા છે અથવા તો પગલા ભરી રહ્યા છે. કોર્ટે તો એમ પણ કહ્યુ હતુ કે, સીબીઆઈની પણ જવાબદારી બનતી હોય છે. એજન્સીનુ કામ માત્ર કેસ કરવાનુ અને તપાસ કરવાનુ નથી. સાથે સાથે સીબીઆઈએ એ પણ જોવાનુ રહે છે કે, આરોપીઓને સજા મળી છે કે નહી.

કોર્ટે સીબીઆઈ પાસે કેટલા કેસ હાલમાં પેન્ડીંગ છે અને કેટલા સમયથી પેન્ડિંગ છે તેની પણ જાણકારી માંગી છે.