×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તમામ રાજ્યોમાં કિલ્લો મજબૂત કરશે INDIA… મુંબઈ બાદ આ રાજ્યો યોજી શકે છે બેઠકો

નવી દિલ્હી, તા.25 જુલાઈ-2023, મંગળવાર

દેશમાં આવતા વર્ષે લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે અત્યારથી જ રાજકીય ખેલ શરૂ થઈ ગયો છે. લોકસભા ચૂંટણીમાં કેન્દ્રની મોદી સરકારને પડકાર ફેંકવા તાજેતરમાં જ બનાવાયેલા INDIA ગઠબંધનમાં સામેલ 26 વિપક્ષી દળોએ રણનીતિ ઘડવાનું શરૂ કરી દીધું છે. વિપક્ષી દળોની પ્રથમ બેઠક પટણામાં યોજાઈ હતી, તો બીજી બેઠક કર્ણાટકના બેંગલુરુમાં યોજાઈ હતી અને હવે ત્રીજી બેઠક મહારાષ્ટ્રમાં યોજાવાની છે. વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાએ ભાજપને ઘેરવા તેમજ તેના સહયોગી દળોને સાવધાન કરવા દર મહિને એક રાજ્યમાં બેઠક યોજવાની રણનીતિ બનાવી છે. તો આગામી સમયમાં ગઠબંધન ઈન્ડિયાની બેઠકો કયા કયા રાજ્યોમાં યોજાઈ શકે છે, તેની માહિતી પણ સામે આવી છે.

મુંબઈમાં યોજાશે INDIAની ત્રીજી બેઠક

2024ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિપક્ષે એક થઈ ચૂંટણી મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય જૂનમાં યોજાયેલી પટણાની બેઠકમાં થયો, જ્યાં વિપક્ષો વચ્ચે સાથે મળીને ચૂંટણી લડવાની સંમતિ સધાઈ... ત્યારબાદ જુલાઈમાં કર્ણાટકના બેંગલુરુમાં યોજાયેલી વિપક્ષની બેઠકમાં ગઠબંધનનું નામ ફાઈનલ કરવામાં આવ્યું... ભાજપની આગેવાની હેઠળની NDAને પછાડવા 26 રાજકીય પક્ષોએ તેમના નવા ગઠબંધનનું નામ INDIA એટલે કે, ઈન્ડિયન નેસનલ ડેવલપમેન્ટલ ઈનક્લૂસિવ અલાયન્સ રાખ્યું... ત્યારબાદ વિપક્ષોની ત્રીજી બેઠક મહારાષ્ટ્રના મુંબઈમાં યોજાવાની છે, જ્યાં INDIAના સંયોજકના નામ જાહેર કરાશે.

મુંબઈ બાદ આ રાજ્યોમાં યોજાઈ શકે છે બેઠકો

વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાની ત્રીજી બેઠક મુંબઈમાં ઓગસ્ટ મહિનાના બીજા અથવા ત્રીજા સપ્તાહમાં યોજાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈમાં બેઠક યોજાયા બાદ પશ્ચિમ બંગાળના કોલકાતાથી લઈને ઉત્તર પ્રદેશના લખનઉ, તમિલનાડુના ચેન્નાઈ, દિલ્હી, તેલંગણા અને આંધ્રપ્રદેશમાં પણ બેઠક યોજાઈ શકે છે. સમાજવાદી સૂત્રોનું માનીએ તો ઉત્તર પ્રદેશમાં વર્ષના અંતે ઈન્ડિયાની છેલ્લી બેઠક યોજાઈ શકે છે. વિપક્ષી ગઠબંધન ઈન્ડિયામાં ઉત્તર પ્રદેશના 5 પક્ષો સામેલ છે, જેમાં સમાજવાદી પાર્ટી, આરએલડી, કોંગ્રેર, કૃષ્ણા પટેલની અપના દળ અને ચંદ્રશેખર આઝાદની આઝાદ સમાજ પાર્ટીનો સમાવેશ થાય છે. અત્યાર સુધી વિપક્ષી દળોની તમામ બેઠકો દિલ્હીની બહાર યોજાઈ રહી છે. એવું માનવામાં આવે છે કે, આગામી બેઠક પશ્ચિમ બંગાળના કોલકાતામાં અથવા દક્ષિણ ભારતના તમિલનાડુમાં યોજાઈ શકે છે.