×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તબીબી શિક્ષકોના આંદોલનનો સુખદ અંત : 7મા પગાર પંચ ધોરણે NPAનો લાભ મળશે, 14માંથી 11 માંગ સ્વીકારાઇ

- આજે GMERSના હોદ્દેદારો અને રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા વચ્ચે થયેલી બેઠકમાં નિર્ણય

અમદાવાદ, તા. 14 મે 2021, શુક્રવાર

GMERS(ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ એન્ડ સોસાયટીના) તબીબી શિક્ષકો પોતાની પડતર માંગણીઓને લઇને હડતાળ પર ઉતર્યા હતા. ત્યારે આજે GMERSના હોદ્દેદારો અને રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા વચ્ચે થયેલી બેઠકમાં તેમના આંદોલનનો સુખદ અંત આવ્યો છે. સરકારે આ તબીબી શિક્ષકોની માંગણોનો સ્વીકાર કર્યો છે. રાજ્ય સરકારે શિક્ષકોની માગણીનો સ્વીકાર કરતા 7મા પગાર પંચ ધોરણે NPAનો લાભ આપવાની જાહેરાત કરી છે.

આ બેઠક બાદ પ્રદીપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં ગૃહ રાજ્યમંત્રીએ તબીબી શિક્ષકોની માગણીનો સ્વિકાર કરતા 7મા પગાર પંચ ધોરણે NPAનો લાભ આપવાની જાહેરાત કરી છે. GMERS હેઠળ ભરતી થયેલા ટ્યુટર અને મેડિકલ ઓફિસર સંવર્ગમાં નિયમિત નિમણૂક પામેલા તબીબોને પણ લાભ મળશે. તેમણે આગળ કહ્યું કે સરકારે તેમની કેટલીક માંગણીઓનો સ્વીકાર કર્યો છે. આ સિવાય અન્ય માંગણીઓ માટે પણ રાજ્ય સરકાર હકારાત્મક છે અને તે માટે કમિટીની રચના કરવામાં આવી છે. જેની ભલામણના આધારે આગામી સમયમાં નિર્ણય લેવાશે.

ઘાતક કોરોનાના કપરા કાળમાં તબીબો અને પ્રધ્યાપકોએ કરેલી અસરકારક કામગીરીને ધ્યાનમાં રાખીને સાતમા પગાર પંચ અનુસાર તમામ સરકારી તબીબી શિક્ષકો માટે NPA મંજૂર કરવામાં આવ્યું છે. આ સિવાય જે ટ્યુટર અને મેડિકલ ઓફીસર GMERS હેઠળ ભરતી થઇને સંવર્ગમાં નિયમિત નિમણુંક પામ્યા છે તેવા તબીબોને તા.1-1-16થી સાતમા પગાર પંચ મુજબ પગાર ધોરણો મંજુર કરવાની માંગણી પણ સરકારે સ્વીકારી છે.

ગૃહમંત્રીએ કહ્યું કે સરકારી તબીબી શિક્ષકોની 14 જેટલી માંગણીઓ પૈકી 11 માંગને સ્વીકારવામાં આવી છે. તબીબી શિક્ષકોની મુખ્ય માંગ NPAની હતા જે મંજૂર કરવામાં આવી છે. બીજી તરફ અન્ય પડતર માંગણીઓ અંગે પણ વિચારણા કરી રહી છે. જેનો આગામી સમયમાં નિવેડો આવશે. આ સિવાય હાલ તદન એડહોક તબીબી શિક્ષકોની સેવા વિનીયમિત કરવા એક જ સ્થાઈ ઠરાવથી આદેશ નિયમિત કરવામાં આવશે, અને નિયમિત ધોરણે ફરજ બજાવતા અને હાલ ઉપલા સંવર્ગમાં એડહોક ધોરણે ફરજ બજાવતા શિક્ષકોની એડ હોક સેવાઓ વિનિયમિત કરવામાં આવશે. સરકારે તે પણ નક્કી કર્યું છે કે નિયમિત નિમણૂંક ફરજ બજાવતા તબીબી શિક્ષકોની અગાઉની એડહોક સેવાને વિનિયમિત કરીને હાલની નિયમિત સેવા સાથે રજા પગાર પેન્શન માટે એક જ સ્થાઈ ઠરાવથી સળંગ કરવાનો આદેશ કરવામાં આવશે.