×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ડ્રોન બાદ હવે પઠાણકોટ સરહદ પરથી પાકિસ્તાની ગુબ્બારો મળતા એલર્ટ

જમ્મુકાશ્મીર,તા.4 જુલાઈ 2021,રવિવાર

જમ્મુ કાશ્મીર સીમા પર અવાર નવાર દેખા દઈ રહેલા ડ્રોન વચ્ચે હવે બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોએ પઠાણકોટ પાસે આવેલી ભારત પાક સરહદ પરથી પાકિસ્તાની ગુબ્બારો કબ્જે કર્યો છે. એ પછી આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યુ છે.

આ પહેલા પણ એપ્રિલ અને 2020ના ઓગસ્ટ મહિનામાં આ પ્રકારના ગુબ્બારા મળી આવ્યા હતા. જેમાં પાકિસ્તાનના ઝંડા અને આઝાદીના સ્લોગન લખેલા મળ્યા હતા. દરમિયાન આજે વહેલી સવારે વધુ એક ગુબ્બારો કબ્જે કરવામાં આવ્યો હતો. આ ગુબ્બારો ઘોડાના આકારનો છે. જોકે તેના પર કશું લખેલુ મળ્યુ નથી. આમ છતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે અને આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે.

બીએસએફના જવાનોએ ખેતરમાં પડેલો ગુબ્બારો જોયા બાદ પોલીસને જાણકારી આપી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને ગુબ્બારો કબ્જે કર્યો હતો અને હવે આ ગુબ્બારો ક્યાંથી આવ્યો તેની શોધખોળ ચાલુ કરી છે. પઠાણકોટ એમ પણ સંવેદનશીલ ક્ષેત્ર છે. પાકિસ્તાની બોર્ડર પર આવેલો આ વિસ્તાર હંમેશા દેશવિરોધી તત્વોના નિશાના પર રહ્યો છે. વારંવાર આ વિસ્તારમાંથી પાકિસ્તાનના ગુબ્બારા મળી આવવાની ઘટના બાદ હવે સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે.