×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ડ્રેગન સરહદે શાંતિ, આર્થિક સંબંધો સુધારવા તૈયાર


- પૂર્વીય લદ્દાખ - અરૂણાચલમાં છાશવારે છમકલા કરનાર ચીનની શાન ઠેકાણે આવી

- ભારત સાથેના સંબંધોને મજબૂત અને સ્થિર બનાવવા માટે અમે કટિબદ્ધ છીએ : ચીનના વિદેશ મંત્રી વાંગ યી

- તવાંગમાં ચીનની ઘુસણખોરીની આંતરરાષ્ટ્રીય સ્તરે ટીકા થતા ડ્રેગન નરમ પડયું, ભારત સાથે વિકાસમાં સહભાગી થવાનું રટણ

- ભારત અને ચીન સૈન્ય એકબીજાના સંપર્કમાં : ચીનના વિદેશ મંત્રી

બેજિંગ : ભારત અને ચીન વચ્ચે સરહદનો વિવાદ વધી રહ્યો છે. હાલમાં જ કેન્દ્રીય મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે ભારતે અત્યાર સુધીમાં સૌથી વધુ તૈનાતી ચીન સરહદે કરી છે. તવાંગ વિસ્તારમાં ચીની સૈનિકોની ઘુસણખોરી બાદ આ તૈનાતી વધારાઇ છે. આ પરિસ્થિતિ વચ્ચે હવે ભારત અને ચીન સરહદનો વિવાદ શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે ચીને પણ કહ્યું છે કે તે સરહદે કોઇ પણ પ્રકારનો વિવાદ નથી ઇચ્છતું અને ભારત સાથે શાંતિપૂર્વક સંબંધોને આગળ વધારવા માગે છે. 

હાલમાં જ તવાંગમાં ચીની સૈનિકો ઘુસી આવ્યા હતા, જેને ભારતીય સૈનિકોએ માર મારીને ભગાદી દીધા હતા. સાથે જ ચીની સૈન્યના ઇરાદાઓને પણ નિષ્ફળ બનાવ્યા હતા. ભારતીય જવાનોની ફટકાર બાદ ચીને પોતાના સુર બદલ્યા છે. હવે ચીન ભારત સાથે શાંતિની વાતો કરવા લાગ્યું છે.

 રવિવારે ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું હતું કે ચીન ભારત સાથેના સંબંધોને મજબૂત અને સ્થિર બનાવવા માટે તૈયાર છે. સાથે જ અમે સરહદે પણ શાંતિ જાળવી રાખવા માટે કટિબદ્ધ છીએ. જોકે ચીન અગાઉ પણ આ પ્રકારના શાંતિના દાવા કરતુ રહ્યું છે જ્યારે સરહદે ઘૂસણખોરી તેમ છતા ચાલુ જ રહી હતી. 

ચીની વિદેશ મંત્રાલયની વેબસાઇટ પર સત્તાવાર રીતે ચીને સરહદે ભારત સાથે શાંતિ જાળવી રાખવા કહ્યું છે. જ્યારે પત્રકારોની સાથે વાત કરતા ચીનના વિદેશ મંત્રીએ પણ કહ્યું હતું કે ચીન અને ભારત બન્ને દેશોએ સૈન્ય અને અન્ય ચેનલના માધ્યમથી એકબીજાનો સંપર્ક જાળવી રાખ્યો છે. અને બન્ને દેશો સરહદે શાંતિ જાળવી રાખવા માટે કટિબદ્ધ છે. અમે સાથે મળીને કામ કરવા માટે તૈયાર છીએ. ભારત પણ ઇચ્છે છે કે શાંતિ જળવાઇ રહે અને વિકાસમાં બન્ને દેશો એકબીજાને મદદ કરતા રહે તેવો દાવો ચીનના વિદેશમંત્રીએ કર્યો હતો. ચીનનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે અરુણાચલ પ્રદેશના તવાંગ વિસ્તારમાં ચીની સૈનિકો ઘુસી આવ્યા હતા, જેને ભારતીય જવાનોએ ભગાડી દીધા હતા. આ મુદ્દે અમેરિકાએ પણ એક નિવેદન જારી કરીને ભારતને સમર્થન આપ્યું હતું. આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ જણાતા ચીને હવે શાંતિ વાતો કરી છે. 

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ચીનનું નિવેદન

અમે આગમાં ઘી નથી હોમી રહ્યા : ચીનના વિદેશ મંત્રી

- વાંગે વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચેના સંબંધોમાં તિરાડ માટે અમેરિકાને જવાબદાર ગણાવ્યું

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ચીને મોટું નિવેદન આપ્યું છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું કે, અમે યુક્રેન સંકટને લઈને સંપૂર્ણ રીતે નિષ્પક્ષ રહ્યા છીએ. ચીન આ સિદ્ધાંત પર આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે, અમે આ યુદ્ધમાં આગમાં ઘી નથી હોમી રહ્યા. ચીનના વિદેશમંત્રી વાંગ યીએ યુક્રેેન-રશિયા યુદ્ધ પર તેમના દેશની સ્થિતિનો બચાવ કર્યો અને સંકેત આપ્યો કે, ચીન આગામી વર્ષમાં રશિયા સાથેના સંબંધોને વધુ ગાઢ બનાવશે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે વાંગે ચીનની રાજધાની બેઈજિંગમાં એક કોન્ફરન્સને સંબોધિત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, અમે ચીનને લઈને અમેરિકાની ખોટી નીતિને સખત રીતે નકારી કાઢી છે. વાંગે વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચેના સંબંધોમાં તિરાડ માટે અમેરિકાને જવાબદાર ગણાવ્યું હતું.

અમેરિકા પર ધમકાવવાનો આરોપ લગાવતા વાંગ યીએ કહ્યું કે, વેપાર, ટેક્નોલોજી, માનવાધિકારો પર પશ્ચિમી દબાણ છે. યુક્રેન દ્વારા હુમલાની નિંદા કરવા અને રશિયા પર પ્રતિબંધો લાદવામાં અન્ય દેશો સાથે જોડાવાના ઈનકારથી સંબંધો વધુ બગડયા છે.

વાંગ યીએ કહ્યું કે, ચીન રશિયા સાથે વ્યૂહાત્મક પરસ્પર વિશ્વાસ અને લાભપ્રદ સહયોગને વધુ ગાઢ બનાવશે. વાંગ યીએ કહ્યું કે, અમેરિકા ચીનને તેના પ્રથમ પ્રતિસ્પર્ધી તરીકે જુએ છે.

જો કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ચીની ઉદ્યોગને વધુ આત્મનિર્ભર બનવા માટે ભાર મૂકી રહ્યા છે પરંતુ વાંગે સ્વીકાર્યું કે અમે અનુભવ કર્યો છે કે, ચીન અને યુએસ સપ્લાય ચેન અલગ ન કરી શકે.