×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ડ્રગ્સ કેસઃ આર્યન ખાનને આજે પણ ન મળ્યા જામીન, આવતીકાલે ફરી સુનાવણી

મુંબઇ, તા. 27 ઓક્ટોબર 2021, બુધવાર

મુંબઇ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવેલા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને આજની રાત જેલમાં જ વિતાવી પડશે.  ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની જામીન પર આજે સુનાવણી કરવામાં આવી હતી. પરંતુ આજે પણ તેને જામીન ન મળ્યા. આર્યન ખાનની જામીન પર બોમ્બે હાઇકોર્ટે ગુરુવાર સુધી સુનાવણી ખારીજ કરી દીધી છે. એવામાં આર્યન ખાનને આર્થર રોડ જેલમાં જ રાત વિતાવવી પડશે. કોર્ટ હવે જામીન અરજી પર આવતીકાલે ફરી સુનાવણી કરશે.

અમિત દેસાઈએ જણાવ્યું કે, તમે આર્યન ખાનનો અરેસ્ટ મેમો જોઈ શકો છો. NCB પાસે ધરપકડ માટે કોઈ પૂરતા પુરાવા ન હતા. ધરપકડ તે ગુના માટે કરવામાં આવી છે જે ગુનો કરવામાં આવ્યો જ નથી. અરબાઝ પાસેથી ફક્ત 6 ગ્રામ ચરસ મળ્યું હતું. NCB જે ષડયંત્રની વાત કરી રહી છે તે સાબિત કરવા માટે તેમણે વોટ્સએપ ચેટ કોર્ટ સમક્ષ રજૂ કર્યું છે. આ ચેટ્સનું ધરપકડ સાથે કોઈ લેવાદેવા નથી. 65 B અંતર્ગત કોર્ટમાં NCBના આ પુરાવા માન્ય નથી. ફોન સીઝ કરવામાં આવ્યો નથી પરંતુ રિમાન્ડ કોપીમાં તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


આર્યન સાથે રીઢા ગુનેગાર જેવું વર્તન યોગ્ય નથી ઃ એટર્ની જનરલ

હાઇકોર્ટમાં આર્યનની જામીન માટે તેના વકીલ માજી એટર્ની જનરલ મુકુલ રોહતગીએ મંગળવાર 26મી ઓક્ટોબરના રોજ જોરદાર દલીલ કરી હતી. તેમણે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના અમૂક મહત્વપૂર્ણ ચુકાદાનો આધાર લીધો હતો અને વાંચન કર્યું હતું. ડ્રગ્સ દાણચોરી માટે પકડવામાં ન આવેલી વ્યક્તિ સાથે રીઢા ગુનેગાર પ્રમાણે વર્તન કરવાનું યોગ્ય નથી. એનડીપીએસ કાયદામાં પણ સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે નશીલા પદાર્થનું વ્યસન કરનારાને સુધરવા માટે તક આપવી જોઇએ. તેમને જેલના બદલે પુનર્વસન કેન્દ્રમાં મોકલવા જોઇએ એવી દલીલ રોહતગીએ હાઇકોર્ટમાં કરી હતી. ઓછી માત્રામાં નશીલો પદાર્થ મળતા આરોપીને જેલમાં મોકલવામાં આવતો નથી. તેને સુધરવાની તક અપાય છે. જ્યારે આર્યન પાસે કંઇપણ મળ્યું જ નથી આમ છતાં 20 દિવસથી તે જેલમાં છે. આર્યન અને અચિત વચ્ચે ફક્ત પોકર ગેમ બદલ ચર્ચા થઇ હતી એવા રોહતગીએ દાવો કર્યો હતો. એનસીબીએ આર્યનની વર્ષ 2018ની વ્હોટસએપ ચૅટનો ઉલ્લેખ કર્યો છે. આ ચૅટથી કંઇ પુરવાર થતુ નથી.


ક્રુઝ ડ્રગ્સ કેસનો ઘટનાક્રમ

- 2 ઓક્ટોબરે ક્રૂઝ પર દરોડા દરમિયાન આર્યન ખાન સહિત 11 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા, બાદમાં તમામની ધરપકડ કરવામાં આવી હતી.

- 4 ઓક્ટોબરે કોર્ટે આર્યન ખાનને NCB રિમાન્ડ પર મોકલી આપ્યો હતો.

- 7 ઓક્ટોબરે આર્યન ખાનને કોર્ટે 14 દિવસની ન્યાયીક કસ્ટડીમાં મોકલી દીધો હતો.

- આર્યન ખાનની જામીન અરજી 8 ઓક્ટોબરે ફોર્ટ કોર્ટમાં ફગાવી દેવામાં આવી હતી.

- 14 ઓક્ટોબરે સેશન્સ કોર્ટે આર્યનના જામીન પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.

- 20 ઓક્ટોબરે આર્યનની જામીન અરજી પણ સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી.

- 20 ઓક્ટોબરે બોમ્બે હાઈકોર્ટમાં આર્યનની જામીન અરજી કરવામાં આવી હતી.

- 21 ઓક્ટોબરે અભિનેત્રી અનન્યા પાંડેની પૂછપરછ કરવામાં આવી હતી.

- 26 ઓક્ટોબરે આર્યાન ખાનને રાહત ન મળી, 27મે સુનાવણી હાથ ધરાશે

- 27 ઓક્ટોબરે કોર્ટે ફરી આર્યાન ખાનને રાહત ન મળી, 28મીએ સુનાવણી હાથ ધરાશે