×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ડોલર સામે રૂપિયો 41 પૈસા તૂટીને 79.36ના ઐતિહાસિક નવા તળીયે


- સોનાની આયાત અંકુશ, પેટ્રોલિયમ નિકાસ નિયંત્રણના પગલાં અસરહિન

- વૈશ્વિક મંદીના ભયે ડોલર સામે યુરો 20 વર્ષની રેકોર્ડ નીચી સપાટીએ : ડોલર ઈન્ડેક્સ ઉછળીને 106.30 બોલાયો

મુંબઇ : વિશ્વની મહાસત્તા અને આર્થિક વ્યવહારોમાં વિશ્વના બજારોમાં પ્રભુત્વ ધરાવતાં અમેરિકી ડોલર ફરી વૈશ્વિક ચલણો સામે સતત મજબૂત થતો રહી નવા રેકોર્ડ સજીૅ રહ્યો છે. ફોરેન ફંડોની ભારતીય શેર બજારોમાં છેલ્લા કેટલાક મહિનાઓથી સતત વેચવાલીના પરિણામે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાનું સતત પતન થતું રહી આજે વધુ ૪૧ પૈસા તૂટીને ૭૯.૩૬ના નવા ઐતિહાસિક તળીયે આવી ગયો હતો. જ્યારે વૈશ્વિક ગેસના વધતાં ભાવ સાથે યુરો ઝોનમાં જૂનમાં ફુગાવો ૮.૬ ટકાની રેકોર્ડ ઊંચાઈએ પહોંચી જતાં ડોલર સામે યુરો ૨૦ વર્ષના તળીયે આવી ગયો હતો.રૂપિયો નબળો પડતાં ક્રુડ ઓઈલ સહિતની આયાત મોંઘી બનવાથી  સરકારે તાજેતરમાં સોનાની આયાત અંકુશ માટે કસ્ટમ ડયુટીમાં વધારો કરવાના અને પેટ્રોલ, ડિઝલ સહિતની નિકાસો પર લેવીના લીધેલા પગલાં અસરહિન પૂરવાર થશે.

વૈશ્વિક આર્થિક મંદીના ભય વચ્ચે ફોરેન ફંડોની શેરોમાં ધૂમ વેચવાલી ચાલુ રહેતાં ઈન્ટરબેંક ફોરેક્સ માર્કેટમાં આજે અમેરિકી ડોલર સામે રૂપિયો ૭૯.૦૪ મથાળે ખુલ્યા બાદ ક્ષણિક નીચામાં ૭૯.૦૨ સુધી આવ્યા બાદ અસાધારણ કડાકામાં ૭૯.૩૮ની નવી રેકોર્ડ નીચી સપાટીએ આવી જઈ અંતે ૪૧ પૈસા ઘટીને ૭૯.૩૬ રહ્યો હતો. ભારતીય રૂપિયો નબળો પડવા સાથે અન્ય વૈશ્વિક ચલણો સામે  પણ અમેરિકી ડોલર મજબૂત બનતો રહી આજે અમેરિકી ડોલર સામે યુરો ૧.૪ ટકા તૂટીને ૧.૦૨૮૧ની ડિસેમ્બર ૨૦૦૨ બાદની નીચી સપાટીએ આવી ગયો હતો. ઈન્ટરબેંક ફોરેક્સ માર્કેટમાં આજે ભારતીય રૂપિયા સામે યુરો ૭૨ પૈસા ઘટીને રૂ.૮૧.૭૨ અને બ્રિટીશ પાઉન્ડ ૧૯ પૈસા ઘટીને રૂ.૯૫.૫૦ રહ્યા હતા. વૈશ્વિક બજારોમાં ડોલર ઈન્ડેક્સ ૧૦૫.૧૪ થી વધીને ઉપરમાં ૧૦૬.૩૦ બોલાતો હતો. 

ભારતની વેપાર ખાધમાં અસાધારણ વધારો થઈ રહ્યો હોઈ નિકાસો જૂનમાં ૧૬.૭૮ ટકા વધીને ૩૭.૯૪ અબજ ડોલર પહોંચવા સામે સોના અને ક્રુડ ઓઈલની આયાતમાં જંગી વધારાના કારણે વેપાર ખાધ વધીને ૨૫.૬૩ અબજ ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચી જતાં સરકારે ગત સપ્તાહમાં જ સોનાની આયાત ડયુટીમાં વધારો કરીને અને પેટ્રોલ, ડિઝલ, એટીએફ ફયુલની નિકાસ પર લેવી લાદીને વેપાર ખાધને અંકુશમાં લેવા તાબડતોબ પગલાં લેવાની ફરજ  પડી હતી. આમ છતાં અમેરિકી ડોલર સામે રૂપિયો નબળો પડતો જઈને આજે ૭૯.૩૮ની નવા રેકોર્ડ તળીયે પહોંચી જતાં ભારતનું આર્થિક સંકટ વધવાની ચેતવણી સમીક્ષકો બતાવી રહ્યા છે.  આ દરમિયાન વૈશ્વિક આર્થિક મંદીની ચિંતા વચ્ચે વૈશ્વિક બજારમાં આજે ક્રુડ ઓઈલના ભાવ બ્રેન્ટના ૧.૧૦ ટકા ઘટીને ૧૧૨.૨૫ ડોલર અને ન્યુયોર્ક ક્રુડ ૧૦૮.૫૦ ડોલર નજીક રહ્યા હતા.