×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરના ભાવમાં રૃ. ૫૦નો વધારો


 

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૬

રાંધણ ગેસ એલપીજીના સિલિન્ડરના ભાવમાં ૫૦ રૃપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધવાને કારણે મેથી અત્યાર સુધીમાં ત્રીજી વખત ભાવવધારો કરવામાં આવ્યો છે.

આ સાથે જ દેશની રાજધાની દિલ્હીમાં સબસિડી વગરના ૧૪.૨ કિગ્રાના સિલિન્ડરનો ભાવ ૧૦૦૩ રૃપિયાથી વધીને ૧૦૫૩ રૃપિયા થઇ ગયો છે તેમ સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા જારી કરાયેલા પ્રાઇસ નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે. મુંબઇમાં ભાવ વધીને ૧૦૫૨.૫૦ રૃપિયા, ચેન્નાઇમાં ૧૦૭૯ રૃપિયા અને કોલકાતામાં ૧૦૬૮.૫૦ રૃપિયા થઇ ગયો છે. ડોલરની સરખામણીમાં રૃપિયાનો ભાવ ઘટીને ૭૯.૨૪ રૃપિયા થઇ જતા ભારતમાં ઓઇલ અને ગેસની આયાત વધુ મોંઘી બની ગઇ છે.

ઉલ્લેખનીય છે કે હવ સબસિડીવાળા સિલિન્ડર ફક્ત ઉજ્જલા યોજના હેઠળ ગેસ કનેકશન મેળવનારા ગરીબ લાભાર્થીઓને જ આપવામાં આવે છે.

ચાલુ વર્ષે ચોથી વખત ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જ્યારે મેથી અત્યાર સુધીમાં ત્રીજી વખત ભાવવધારો કરવામાં આવ્યો છે. ૨૨ માર્ચના રોજ ૫૦ રૃપિયા, સાત મેના રોજ ૫૦ રૃપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

૧૯ મેના રોજ ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરના ભાવમાં ૩.૫૦ રૃપિયાનો ભાવવધારો કરવામાં આવ્યો હતો. જૂન, ૨૦૨૧થી અત્યાર સુધીમાં ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરના ભાવમાં રૃ. ૨૪૪નો વધારો કરવામાં આવ્યો છે. જે પૈકી ૧૫૩.૫૦ રૃપિયા માર્ચ, ૨૦૨૨ પછી વધ્યા છે.

જો કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ત્રીજા મહિને કોઇ વધારો કરવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે મે મહિનામાં સરકારે પેટ્રોલની એકસાઇઝ ડયુટીમાં આઠ રૃપિયા અને ડીઝલની એક્સાઇઝ ડયુટીમા ૬ રૃપિયાનો ઘટાડો કર્યો હતો. જો કે તે સમયે સરકારે જાહેરાત કરી હતી કે ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડર પર મળતી ૨૦૦ રૃપિયાની સબસિડી હવે ફક્ત ઉજ્જલા યોજના હેઠળ ગેસ કનેકશન મેળવનારા ગરીબ લાભાર્થીઓને જ આપવામાં આવશે. જો કે સરકારે વર્ષ ૨૦૨૦ની મધ્યમાંથી જ સબસિડી આપવાનું બંધ કરી દીધું હતું.