×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ડુક્કરની કિડની મનુષ્યને લગાવવામાં ડોક્ટર્સને મળી સફળતા, ભવિષ્ય માટે દેખાઈ મોટી આશા


- ટ્રાન્સપ્લાન્ટ પહેલા ડુક્કરના જીન બદલી દેવામાં આવ્યા હતા જેથી મનુષ્યનું શરીર તેના અંગને તરત નકારી ન દે

નવી દિલ્હી, તા. 21 ઓક્ટોબર, 2021, ગુરૂવાર

મનુષ્ય જીવનને સ્વસ્થ અને સુરક્ષિત રાખવા માટે વૈજ્ઞાનિકો હંમેશા અવનવી શોધ કરતા રહે છે. તેના કારણે મનુષ્યની જિંદગીમાં ખુશહાલી વધે છે. મેડિકલ સાયન્સના વૈજ્ઞાનિકોએ આ જ દિશામાં એક એવી સફળતા હાંસલ કરી છે જેની વર્તમાન લાઈફસ્ટાઈલના કારણે ભારે જરૂરિયાત અનુભવાઈ રહી હતી. કિડની ખરાબ થવી અને તેનો કોઈ વિકલ્પ ન હોવાના કારણે તે એક મોટી સમસ્યા હતી. પરંતુ અમેરિકી ડોક્ટર્સે આ દિશામાં એક મહત્વનું સંશોધન કરીને ડુક્કરની કિડનીને મનુષ્યના શરીરમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરી છે. 

અનેક પ્રકારની તપાસ બાદ એ સ્પષ્ટ થઈ શક્યું હતું કે, ડુક્કરની કિડની મનુષ્યના શરીરમાં યોગ્ય રીતે કામ આપી રહી છે. ડોક્ટર્સના કહેવા પ્રમાણે શરીરની ઈમ્યુન સિસ્ટમે ડુક્કરના અંગને તાત્કાલિક નકારી નહોતું દીધું. ન્યૂયોર્ક સિટીના એનવાઈયુ લૈંગન હેલ્થ સેન્ટર ખાતે ટ્રાન્સપ્લાન્ટની આ સમગ્ર પ્રક્રિયા કરવામાં આવી હતી. ડોક્ટર્સે જણાવ્યું કે, ટ્રાન્સપ્લાન્ટ પહેલા ડુક્કરના જીન બદલી દેવામાં આવ્યા હતા જેથી મનુષ્યનું શરીર તેના અંગને તરત નકારી ન દે. 

આવું પહેલી વખત બન્યું છે કે, કોઈ મનુષ્યના શરીરમાં જાનવરની કિડનીનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. અગાઉ પ્રત્યાર્પણ માટે કરવામાં આવેલા તમામ પ્રયત્નો અસફળ રહ્યા હતા. આ પ્રયોગના કારણે કિડનીની ખરાબીથી પીડિત લોકોની જિંદગીમાં એક નવી આશા જાગી છે.